ઈઝરાયલમાં આજે વડાપ્રધાન પદની ચૂંટણીમાં મતદાન શરૂ : નેતાન્યાહૂ સત્તા પરથી ફેંકાઈ જશે

ઈઝરાયલમાં આજે વડાપ્રધાન પદની ચૂંટણીમાં મતદાન શરૂ : નેતાન્યાહૂ સત્તા પરથી ફેંકાઈ જશે

જેરુસલેમ, તા.૨૭ :
મધ્યપૂર્વના રાજકારણને નવી દિશા આપી શકે તેવી ઇઝરાયલની અત્યંત મહત્ત્વપૂર્ણ સંસદીય ચૂંટણી માટે આજે મંગળવારે મતદાન શરૂ થયું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું રાજકીય ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગાઝા યુદ્ધ, ઈરાન સાથેનો લશ્કરી સંઘર્ષ, સુરક્ષાની ચિંતાઓ અને આંતરિક રાજકીય વિવાદોનો સામનો કરી રહેલા ઇઝરાયલમાં આ ચૂંટણી સત્તાપલટો લાવશે કે ફરી રાજકીય મડાગાંઠ સર્જશે તેના ઉપર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે.
ઇઝરાયલની સંસદ ‘નેસેટ’ની ૧૨૦ બેઠકો માટે આશરે ૭૩ લાખ મતદારો મતદાન કરવા પાત્ર છે. દેશભરમાં ૧૨,૦૧૮ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક સમય મુજબ સવારે ૭ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીમાં કુલ ૩૭ રાજકીય પક્ષો અને ઉમેદવારી યાદીઓ મેદાનમાં છે.
આ વખતની ચૂંટણીમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી અને તેમના જમણેરી તથા ધામિર્ક પક્ષોના ગઠબંધન સામે ઇઝરાયલના ભૂતપૂર્વ સૈન્યવડા ગાડી આઇઝનકોટનો મોટો પડકાર છે. આઇઝનકોટની મધ્યમમાર્ગી ‘યાશાર’ પાર્ટી અનેક સર્વેક્ષણોમાં લિકુડ કરતાં ઘણી જ આગળ જોવા મળી રહી છે. આધારભૂત સર્વેના તારણો મુજબ નેતાન્યાહૂ સત્તા પરથી ફેંકાઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે.