સીતામાતા સાઈ પલ્લવી હવે IPS અધિકારીના રોલમાં જોવા મળશે, ધનુષની ફિલ્મમાં બનશે પોલીસ ઓફિસર

‘ઓમઃ ચેપ્ટર વન’માં નિત્યા રેડ્ડીની ભૂમિકા ભજવશે સાઈ પલ્લવી; ફિલ્મની રિલીઝ તારીખ 20 નવેમ્બર નક્કી, ધનુષ અને મમ્મૂટી પહેલીવાર સાથે જોવા મળશે

સીતામાતા સાઈ પલ્લવી હવે IPS અધિકારીના રોલમાં જોવા મળશે, ધનુષની ફિલ્મમાં બનશે પોલીસ ઓફિસર

મુંબઈ, તા. 28
ફિલ્મ ‘રામાયણ’માં સીતામાતાની ભૂમિકાને લઈને ચર્ચામાં આવેલી અભિનેત્રી સાઈ પલ્લવી હવે એક નવા અવતારમાં જોવા મળશે. ધનુષની આગામી ફિલ્મ ‘ઓમઃ ચેપ્ટર વન’માં સાઈ પલ્લવી IPS અધિકારીની ભૂમિકા ભજવશે. ફિલ્મમાં તે આંધ્ર પ્રદેશની મહિલા પોલીસ અધિકારી નિત્યા રેડ્ડીના પાત્રમાં જોવા મળશે, જે ‘ઓપરેશન ઓમ’ની જવાબદારી સંભાળે છે.
‘ઓમઃ ચેપ્ટર વન’ અગાઉ 16 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ તારીખ બદલીને 20 નવેમ્બર કરવામાં આવી છે. ધનુષે ફિલ્મની નવી રિલીઝ તારીખ જાહેર કરી હતી. અહેવાલો અનુસાર, સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’ સાથે ટક્કર ટાળવા માટે રિલીઝમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ધનુષે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દિવાળીના સમયગાળામાં સૂર્યાની ફિલ્મ રિલીઝ થવાની હોવાથી તે દિવસોમાં પોતાની ફિલ્મ રજૂ કરવામાં આવશે નહીં.
ફિલ્મમાં ધનુષ ચંદનનાં લાકડાંનું ગેરકાયદે કટિંગ કરતો એક કઠિયારોની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે સાઈ પલ્લવી પોલીસ અધિકારી તરીકે જોવા મળશે. બંને કલાકારોની ભૂમિકાઓ ફિલ્મની વાર્તાને રસપ્રદ બનાવે તેવી અપેક્ષા છે.
‘ઓમઃ ચેપ્ટર વન’માં ધનુષ અને સાઈ પલ્લવી ઉપરાંત મમ્મૂટી, શ્રીલીલા અને નસીરુદ્દીન શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે દક્ષિણ ભારતીય સિનેમાના જાણીતા કલાકારો ધનુષ અને મમ્મૂટી પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ મલેશિયામાં કરવામાં આવ્યું છે.
બીજી તરફ, ‘રામાયણ’માં સીતામાતાની ભૂમિકા માટે સાઈ પલ્લવીની પસંદગીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેના કાસ્ટિંગને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકે આ અંગે સવાલો ઉઠાવ્યા છે. આ વિવાદ વચ્ચે હવે ‘ઓમઃ ચેપ્ટર વન’માં સાઈ પલ્લવીનો પોલીસ અધિકારીનો અવતાર પણ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
હવે 20 નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં ધનુષ અને સાઈ પલ્લવીની જોડીને દર્શકો કેવો પ્રતિસાદ આપે છે અને ધનુષ-મમ્મૂટીનો પ્રથમ સહયોગ કેટલો સફળ રહે છે તેના પર સૌની નજર રહેશે.