કેન્સરની પ૪૩ દવાઓના ભાવ ઘટયા : રૂા.૮૦ હજારનું ઈન્જેકશન હવે માત્ર રૂા.૭ હજારમાં મળશે
નવી દિલ્હી તા.૨૯
દેશમાં કેન્સરની ૫૪૩ દવા બ્રાન્ડ્સ અને પેકના મહત્તમ છૂટક ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ઔષધિ ભાવ નિર્ધારણ પ્રાધિકરણ (એનપીપીએ)ના ર્નિણય બાદ ૩૯૭ એટલે કે ૭૩ ટકાના ભાવ ઘટાડવામાં આવ્યા છે. તેમાંની ૨૧૭ દવાઓના ભાવ અડધાથી પણ ઓછા થઈ ગયા છે. ૯૭ બ્રાન્ડ-પેકની કિંમતોમાં ૭૦ ટકાથી વધુ અને ૫૦માં ૮૦ ટકાથી વધુ ઘટાડો થયો છે. પાંચ બ્રાન્ડ-પેકના ભાવ ૯૦ ટકાથી વધુ ઘટ્યા છે.
સૌથી મોટો ઘટાડો સેમટેવા (થિયોટેપા ૧૦૦ મિલિગ્રામ ઇન્જેક્શન, ૧ વાયલ)માં જોવા મળ્યો છે. તેની કિંમત ૮૦,૦૭૧.૮૬થી સીધી ઘટીને ૭,૧૫૦.૩૩ થઈ ગઈ છે. આ ઉપરાંત, પાલ્બોસિક્લિબની પાલ્બોપ્રો દવામાં પણ મોટી રાહત મળી છે. તેના ૨૧ કેપ્સ્યુલના પેકની કિંમત ૪૦,૪૨૧થી ઘટીને ૨,૭૨૦ રૂપિયા થઈ ગઈ છે.
જોકે, સૂચિમાં સામેલ ૧૪૬ બ્રાન્ડ-પેકની કિંમતો અગાઉ જેવી જ છે. તેમાં મોંઘી પેટન્ટવાળી દવાઓ પણ સામેલ છે. સરકારે ૧૩૭ કેન્સરવિરોધી દવાઓ (સોલ્ટ)ના ટ્રેડ માજિર્નને એમઆરપીના ૩૦ ટકા સુધી મર્યાદિત કરવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દવા કંપનીઓએ નવી કિંમતોની માહિતી આપી છે. નવી કિંમતો તા.૯ નવેમ્બરથી લાગુ થશે.


