ટી-ર૦ વિશ્વકપની જીતનો દેશભરમાં વિજયોત્સવ : આખી રાત ઉજવણી
(બ્યુરો) અમદાવાદ, તા.૯
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-૨૦ વર્લ્ડ કપના ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને કારમી હાર આપ્યા બાદ દેશભરમાં જીતની ઝનૂનભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતથી માંડીને દેશના તમામ રાજ્યોમાં ક્રિકેટ ફેન્સ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ફટાકડાના ધૂમ ધડાકા અને નાચ-ગાન સાથે જશ્ન મનાવવામાં આવ્યો હતો. મેદાન પરની જીતનો આખા દેશમાં વિજ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં સૂર્યસેનાએ પ્રતિસ્પર્ધી ન્યુઝીલેન્ડને હરાવી દીધું હતું અને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ટી-૨૦ વર્લ્ડકપના આ વિજય સાથે ભારતે અનેક નવા રેકોર્ડ બનાવ્યા હતા. ભારતીય ટીમે સળંગ બીજો વર્લ્ડકપ જીતીને ટ્રોફી ઘર આંગણે જ જાળવી રાખી હતી.
આ સિવાય ઘરઆંગણે જીત મેળવનાર પ્રથમ ટીમ બની હતી. તેવી જ રીતે ટી-૨૦ વર્લ્ડકપના ઇતિહાસમાં ત્રણ વખત ચેમ્પીયન બનવાનું બીરુદ મેળવનાર પ્રથમ ટીમ બની છે. ફાઇનલ મેચ પૂર્વે જ ભારતીય ટીમ ઇતિહાસ રચશે તેવો આશાવાદ હતો જ અને ટીમ ઇન્ડિયાએ ક્રિકેટ પ્રેમીઓના વિશ્વાસને અકબંધ રાખીને અભૂતપૂર્વ જીત મેળવી હતી.


