જાે અમારા વિમાનને રોકશો તો કોઈને ઉડવા નહીં દઈએ : ઈરાને ધમકી આપી

જાે અમારા વિમાનને રોકશો તો કોઈને ઉડવા નહીં દઈએ : ઈરાને ધમકી આપી

(એજન્સી)          તેહરાન તા.૨૬
ઈરાને ધમકી આપી છે કે જો તેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તો તે પણ વિસ્તારમાં કોઈપણ વિમાનને ઉડાન ભરવાની મંજૂરી નહીં આપે. ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહમ્મદ મુખબરે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ફ્લાઇટ્સ કાં તો સૌ માટે ખુલ્લી રહેશે અથવા પછી કોઈ માટે નહીં.
હકીકતમાં, અમેરિકાએ ૨૩ સપ્ટેમ્બરે ઈરાનની તમામ એરલાઇન્સ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ UAE અને ઓમાન સહિત અનેક દેશોએ ઈરાનથી આવતી-જતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઈરાનથી દરરોજ સરેરાશ ૧૦૦ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થાય છે. હાલમાં એ જાણવા મળ્યું નથી કે અમેરિકી પ્રતિબંધો બાદ કેટલાં ઈરાની વિમાનોની ઉડાન પર અસર પડી છે.
અમેરિકાએ વિદેશી કંપનીઓને પણ ચેતવણી આપી હતી કે જો તેઓ ઈરાની વિમાનોને ઈંધણ, લેન્ડિંગની સુવિધા અથવા ટિકિટ ઉપલબ્ધ કરાવશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આવી કંપનીઓને અમેરિકન ડૉલરની નાણાકીય વ્યવસ્થામાંથી બહાર કરી શકાય છે. એટલે કે અમેરિકાનું દબાણ માત્ર ઈરાની એરલાઇન્સ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની મદદ કરતી વિદેશી કંપનીઓ પણ તેના દાયરામાં છે.