ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં નવો વળાંક, મુખ્ય આરોપીએ કર્યો સગીર હોવાનો દાવો

ફૂલસિંહે કોર્ટમાં ઉંમર અંગે અરજી કરી; 15 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ, ત્યારબાદ જ નક્કી થશે કાનૂની કાર્યવાહીનો માર્ગ

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં નવો વળાંક, મુખ્ય આરોપીએ કર્યો સગીર હોવાનો દાવો

મુંબઈ તા.7
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે સંકળાયેલા હાઈપ્રોફાઇલ ફાયરિંગ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી ફૂલસિંહે અદાલતમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે ઘટના બની ત્યારે તે સગીર હતો. આરોપીના આ દાવા બાદ અદાલતે તેની વાસ્તવિક ઉંમરની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ સંબંધિત સત્તાવાળાઓને 15 દિવસની અંદર વિગતવાર તપાસ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
અદાલતમાં સુનાવણી દરમિયાન ફૂલસિંહે દલીલ કરી હતી કે જે સમયે ફાયરિંગની ઘટના બની હતી, તે સમયે તેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. તેણે કોર્ટને જણાવ્યું હતું કે અગાઉ તેને પોતાના વકીલ સાથે વાતચીત કરવાની મંજૂરી મળી નહોતી, જેના કારણે તે પોતાની સાચી ઉંમર અંગે અદાલત સમક્ષ રજૂઆત કરી શક્યો નહોતો. હવે તેણે વિધિવત અરજી કરીને ઉંમરની તપાસ કરાવવાની માંગ કરી છે.
આરોપીની રજૂઆતને ધ્યાનમાં રાખીને અદાલતે તેની ઉંમર સંબંધિત દસ્તાવેજો અને અન્ય હકીકતોની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આગામી 15 દિવસમાં રજૂ થનારા તપાસ રિપોર્ટના આધારે નક્કી થશે કે ઘટના સમયે ફૂલસિંહ સગીર હતો કે પુખ્ત વયનો હતો.
જો તપાસમાં આરોપી ઘટના સમયે સગીર હોવાનું સાબિત થશે, તો તેની સામે સામાન્ય ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી કરવાને બદલે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં કેસની કાનૂની પ્રક્રિયા અને આગળની કાર્યવાહીનો માર્ગ બદલાઈ શકે છે. હવે સમગ્ર કેસમાં અદાલતનો આગામી નિર્ણય તપાસ રિપોર્ટ પર આધારિત રહેશે.