વિસાવદરનાં રાજપરા ગામે મારમારી ઈજા કરી - બે શખ્સો સામે ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ર૬
વિસાવદરના રાજપરા ગામે બે શખ્સો ગાળાગાળી કરી મારમારી ઈજાઓ કર્યાની ફરીયાદ વિસાવદર પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિસાવદર પોલીસ મથકે પાયલબેન કુમનભાઈ ડાભીએ મુનાભાઈ ધનજીભાઈ ડાભી અને મુકેશભાઈ ઉર્ફે મુકાભાઈ ધનજીભાઈ ડાભી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી મુકેશભાઈ ફરીયાદીના સાસુ પાસેથી રાત્રીના રોટલા લીધા વગર જતા રહેલ હોય જેથી ફરીયાદીના પતિ રોટલા આપવા અને ન લેવા બાબતે ઠપકો આપવા જતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરવા લાગેલ અને લાકડાનો ધોકો લઈ આવી તારૂ વધી ગયેલ છે આજ તો તને પતાવી દેવો છે તેમ કહી જાનથી મારી નાખવાના ઈરાદે માથા તથા ગળાના ભાગે મારમારી ઈજાઓ કરેલ દરમ્યાન અન્ય સાહેદો વચ્ચે પડતા આરોપી મુનાભાઈએ ફરીયાદીના સાસુ, સસરા, માતા અને ભત્રીજાને મારમાર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


