જૂનાગઢનાં જાણીતા બિલ્ડર અશ્વીન માળી અને તેના પુત્રને ધમકાવનાર કુખ્યાત વ્યાજખોર લખન કોડીયાતરની ધરપકડ
વ્યાજે પૈસા આપી દુકાનો, પ્લોટ અને જમીનોના દસ્તાવેજાે લખાવી લીધા હતા : ભૂતકાળમાં પણ અનેક ગુનામાં સંડોવાયેલ શખ્સ સામે કાર્યવાહી કરાઈ
જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર વ્યાજ વટાવની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢનાં જાણીતા બિલ્ડર અશ્વીન માળીનાં પુત્ર યશ માળીએ નામચીન શખ્સ વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદનાં આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે નામચીન વ્યાજખોર લખમણભાઈ ઉર્ફે લખન ઉર્ફે બબન નાથાભાઈ કોડીયાતરની અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢનાં બિલ્ડર અશ્વીન માળી અને તેમનાં પુત્ર યશ માળી પાસે ર૦૧રથી અલગ અલગ સમયે ર થી પ ટકા સુધીનું ઉંચુ વ્યાજ વસુલી, વ્યાજનું પણ વ્યાજ મેળવવા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. બળજબરીપૂર્વક બિલ્ડરની માલીકીની દુકાનો, પ્લોટ અને જમીનોના દસ્તાવેજાે કરાવી લીધા હતા તેમજ કોરા ચેકો, પ્રોમેસરી નોટો અને ડાયરીમાં બળજબરીથી લખાણ કરાવી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી ગાંધીગ્રામ વિસ્તારનાં નામચીન ઈસમ લખમણ ઉર્ફે લખન ઉર્ફે બબ્બન નાથાભાઈ કોડીયાતરને તેના રહેણાંક મકાન નજીકથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની ધોરણસર અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં તેમનજ શહેરમાં આ ટોળકી છેલ્લા ઘણા સમયથી વ્યાજ વટાવની કામગીરી બેફામ કરી રહી છે. દરમ્યાન ફરીયાદીના પિતા અશ્વીન માળીને ફોનમાં અવાર નવાર મેસેજ મારફત ધમકી પણ આપી હતી. છેલ્લે અશ્વીન માળીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ કરવી પડી હતી. ઉપરાંત બળજબરી પૂર્વક દુકાનો, પ્લોટો અને જમીનના દસ્તાવેજ પણ લખાવી લીધા હતા. તેમજ કોરા ચેક, પ્રોમેસરી નોટ અને ડાયરીમાં લખાણ કરાવી લઈ ફરીયાદી તથા તેમના પિતાને સતત વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ગુનો કર્યો હતો.


