જૂનાગઢમાં તહેવારો ટાંકણે જ રાજમાર્ગો બંધ : વેપાર-ધંધાને ગંભીર અસર

કાળવા ચોકથી જવાહ રોડ, ગીરનાર દરવાજા, દાણાપીઠ, જેલ રોડથી મજેવડી દરવાજા અને રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધીનાં રસ્તાઓ બંધ કરાતા લોકોને ભારે હાલાકી : મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

જૂનાગઢમાં તહેવારો ટાંકણે જ રાજમાર્ગો બંધ : વેપાર-ધંધાને ગંભીર અસર

જૂનાગઢ તા. ર૯
જૂનાગઢ શહેરમાં નવરાત્રી અને દીવાળીનાં દિવસો નજીક આવી રહયા છે તેવા સમયે જ શહેરનાં કેટલાક રાજમાર્ગોને વિવિધ કામગીરી સબબ બંધ કરી દેવાનાં કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેમજ મુખ્ય રસ્તા બંધને કારણે તહેવારોનાં દિવસોમાં સારો વેપાર થવાની જે આશા હતી તેમાં પણ મુશ્કેલી ઉભી થતાં વેપાર-ધંધાને સીધી અસર થવાની સંભાવના વેપારીઓ દ્વારા વ્યકત કરવામાં આવી રહેલ છે અને મનપાની કથિત કામગીરી સામે ભારે રોષ ઉઠવા પામ્યો છે.
જૂનાગઢ શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તાનાં કામો થયા નથી તો કયાંક ખરાબ રસ્તા, અધુરા રસ્તા અને ખાડાવાળા રસ્તાની સમસ્યાથી લોકો પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરી રહયા છે. આવા સંજાેગોમાં શહેરનાં વિવિધ રસ્તાઓમાં આજે નવી કામગીરી, ભુગર્ભ ગટરની કામગીરી શરૂ કરતાં રસ્તાઓ ખોદી નાખવામાં આવેલ છે. અને શહેરનાં રાજમાર્ગો બંધ થતાં લોકોને અવર જવર માટે મુશ્કેલી પડશે. ઉપરાંત વેપાર-ધંધા ઉપર પણ ગંભીર અસર પહોંચશે તેવી ભીતી છે. જૂનાગઢ શહેરમાં જવાહર રોડવાળો અધુરો રસ્તો ખોદી નાખવામાં આવેલ છે. જયાં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ છે. જેથી આ રસ્તો વાહનની અવર જવર માટે બંધ છે. ઉપરાંત ગીરનાર દરવાજાનો રસ્તો પણ બંધ કરાયો છે. જેને લઈને દીવાન ચોક, સર્કલ ચોકથી દાણાપીઠમાં વેપારીઓનાં માલ-સામાનની ડીલીવરી માટેનો પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે. અને જેને લઈને વેપાર ધંધામાં અસર પડી રહી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં જેલ રોડ પાસે આવેલ મજેવડી દરવાજા તરફ જવાનાં રસ્તાનું કામ ઘણા લાંબા સમય થયા ચાલી રહયું છે. જેને લઈને આ રસ્તો બંધ છે. જેથી ખાસ કરીને સીવીલ હોસ્પીટલ જતાં લોકોને પણ ખુબ જ મુશ્કેલી પડે છે. વાહનોને ફરીને લઈ જવા પડે તેવી સ્થિતિ છે. આ દરમ્યાન રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક તરફ આવતા ડાબી બાજુનાં રોડ પર ભુગર્ભ ફેઝ-રની કામગીરી અંતર્ગત આજથી આ માર્ગ બંધ થઈ રહયો છે. અને રપ નવેમ્બર ર૦ર૬ સુધી તમામ પ્રકારનાં વાહનો અને રાહદારીઓ માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અને વાહન ચાલકોને રેલ્વે સ્ટેશન સર્કલથી સરદારગેટ, જેલ ચોક, જુની કોર્ટ અને ચિતાખાના ચોક થઈને ગાંધી ચોક તરફ જઈ શકાશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માર્ગ ઉપર સતત વાહનોની અવર જવર રહેશે અને ટ્રાફીકની પણ સમસ્યા પણ ઉભી થવાની છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં મનપા દ્વારા તહેવારોનાં સમયમાં શરૂ કરવામાં આવતી રસ્તાનાં ખોદકામની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડશે. આજે જયારે એક તરફ બેફામ વધતી જતી મોંઘવારીને કારણે જનજીવન પ્રભાવીત છે. આવા સમયે વેપાર ધંધા ઉપર પણ અસર જાેવા મળે છે. મંદીનાં સમયમાં નાનાથી મોટા તમામ વેપાર ધંધા કરતા ધંધાર્થીઓેને તહેવારોનાં દિવસોમાં સારી ઘરાકી નીકળે અને વેપાર ધંધામાં તેજી નીકળે તેવી આશા રાખવામાં આવતી હોય છે. અને તહેવારોને લઈને વેપારીઓ ચીજવસ્તુઓ, અને માલનો સ્ટોક મહીના દિવસ પહેલા જ મંગાવવાનું શરૂ કરતાં હોય છે. આ સમય માલ મંગાવવાનો અને માલની હેરફેરનો સમય છે. દરમ્યાન નવરાત્રી અને દીવાળીનાં તહેવારો નજીક આવી રહયા છે. ત્યારે જ મનપા દ્વારા રસ્તા અને ભુગર્ભ ગટરની કામગીરીને લઈને રાજમાર્ગોને બંધ કરવાનાં પગલે અવર જવર માટે તો લોકોને તકલીફ પડશે પરંતુ સાથે સાથે તહેવારોનાં આ દિવસોમાં વેપાર ધંધાને પણ ભારે અસર પડશે તેવું જાણકારોનો મત છે. લોકોને તહેવારોનાં સમયે પડતી મુશ્કેલી દૂર કરવાની કામગીરી મનપા દ્વારા તત્કાલ હાથ ધરાય તેવી આમ જનતાની માંગણી છે.