કલ્યાણપુરનાં માળી ગામે જુગાર દરોડો : રૂા.સાડા ચાર લાખના મુદ્દામાલ સાથે સાત ઝબ્બે
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા.ર૯
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલસીબી પોલીસે સોમવારે કરેલી કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના માળી ગામે એક શખ્સ દ્વારા સંચાલિત જુગારના અખાડામાંથી સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સ્થળેથી પોલીસે કુલ રૂા.૪,૫૧,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સ્થળેથી પોલીસે રાણા દેવા જામ, ખંભાળિયામાં રહેતા જગદીશ હરીશંકર આરંભડીયા, ગઢવી નારણ નાથા ભોજાણી, મેરૂ નારણ જોગલ, આલા ફોગા કારીયા, સંદીપ ઉર્ફે ચુનીયો હસમુખભાઈ રૂઘાણી અને પરબત લખમણ ચાવડા નામના સાત શખ્સોને દબોચી લીધા હતા. આ દરોડા દરમ્યાન પોલીસે રૂા.૧,૩૦,૫૦૦ ની રોકડ રકમ તથા રૂપિયા ૭૦,૫૦૦ ની કિંમતના ૮ નંગ મોબાઈલ ફોન, રૂા.૫૦,૦૦૦ ની કિંમતનું એક મોટરસાયકલ અને રૂા.૨,૦૦,૦૦૦ની કિંમતની એક મોટરકાર સહિત કુલ રૂા.૪,૫૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી, આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.


