દશેરા બાદ મોદી સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો થશે
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા દશેરાના તહેવાર બાદ મોટા રાજકીય અને પ્રશાસનિક ર્નિણયો લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. વર્તમાનમાં આગામી ૨૨ દિવસ સુધી કોઈ મોટા રાજકીય એલાન ન થવાના સંકેત મળી રહ્યા છે, જેને પગલે દશેરા પછી થનારી મોટી હિલચાલ પર સૌની નજર છે પડદા પાછળ મંત્રીમંડળના ફેરબદલ અને નવી નિમણૂકો અંગે શાંતિપૂર્ણ રીતે આયોજન ચાલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રીઓના કામગીરી આધારિત ‘રિપોર્ટ કાર્ડ‘, મંત્રીમંડળના પુન:ગઠનની યોજનાઓ અને નવા ચહેરાઓને સ્થાન આપવા અંગે ઉચ્ચ સ્તરે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. દશેરા પૂર્ણ થયા બાદ તરત જ રાજકીય ક્ષેત્રે મંત્રીમંડળનો વિસ્તાર તેમજ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓની મોટા પાયે બદલી અને નિમણૂકોની ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે.
પ્રશાસનિક અને રાજકીય ફેરફારો પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા દેશના આર્થિક અને નીતિગત ક્ષેત્રે પણ અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ ઓક્ટોબર મહિનાથી જ આગામી કેન્દ્રીય બજેટ માટેની પ્રારંભિક તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર વિગતો સામે આવવાની અપેક્ષા છે.


