જૂનાગઢનાં તત્કાલીન પીઆઈ જે.જે. પટેલને હાઈકોર્ટનું તેડું
વનતંત્રના ત્રાસથી ઝેરી દવા પી લેનાર માલધારીનાં મોતના બનાવમાં સમરી ભરનાર પીઆઈને હાઈકોર્ટમાં હાજર થવા આદેશ
વિસાવદર તા. ૩૧
વિસાવદર તાલુકાનાં જાંબુથાળ ગામે વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં ત્રાસથી બે માલધારી યુવાનોએ વનવિભાગની વિસાવદર ખાતેની કચેરીએ જ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા એક માલધારીનું મૃત્યુ થયું હતું. જયારે અન્ય યુવાન માંડ માંડ બચી જવા પામ્યો હતો. આ બનાવનાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ભારે વિવાદ જગાવ્યો હતો. દરમ્યાન તાજેતરમાં જ ઉપરોકત કેસ મામલે સમરી ભરનાર જૂનાગઢના તત્કાલીન પીઆઈ જે.જે. પટેલને હાઈકોર્ટનું તેડું આવતા આ મામલો ચર્ચામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થયેલ વિગત અનુસાર વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓના ભારે ત્રાસથી કંટાળીને બે માલધારી યુવાનોએ વનવિભાગની વિસાવદર ખાતે આવેલી કચેરીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં સલીમ બ્લોચ નામના માલધારીનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. જયારે બીજા યુવાન હનીફ બ્લોચ માંડ માંડ બચી ગયા હતા.
આ સમગ્ર ઘટનાક્રમે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે રોષ અને વિવાદ જગાવ્યો હતો. દરમ્યાન ઉપરોકત બનાવમાં પોલીસ દ્વારા શરૂઆતમાં કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસ અને વનવિભાગનાં અધિકારીઓ વચ્ચેના કથિત મેળાપને કારણે આરોપીઓને છાવરવાનાં પ્રયાસો થયા હતા. દરમ્યાન જે તે વખતે પિડીત પરિવારજનો અને માલધારી સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા મામલો ગરમાયો હતો. ઘટનાનાં બે દિવસ બાદ દબાણને વશ થઈ પોલીસે આખરે એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ તપાસ દરમ્યાન જૂનાગઢનાં તત્કાલી પીઆઈ જે.જે.પ ટેલે શંકાસ્પદ ભૂમિકા ભજવતા કેસમાં સમરી ભરી દીધી હતી. સમરીમાં એવું જણાવામાં આવેલ કે મુકદમો ખરો છે પરંતુ સાબીત થઈ શકે તેમ નથી.
વધુમાં આ સમરી હજુ વિસાવદર કોર્ટ દ્વારા પણ મંજુર કરવામાં આવી ન હતી. છતાં પોલીસ દ્વારા આરોપીઓને છુટો દોર આપવા માટે કવાયત કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. દરમ્યાન આ પ્રકરણમાં મેંદરડાના તત્કાલીન આરએફઓ ગાર્ડ અને ફોરેસ્ટર વિરૂધ્ધ માલધારીને મરવા મજુર કરવા સહીતની કલમો અંતર્ગત ગુનો દાખલ થયો હતો. પરંતુ પોલીસ અને વનવિભાગના સત્તાધીશો આ તમામ આરોપીઓને સતત બચાવવાના પ્રયાસો કરી રહયા હોવાના આક્ષેપો સાથે મૃતકના પરિવારજનોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં આ અંગેની પીટીશન પર સુનાવણી હાથ ધરાતા ઉચ્ચ ન્યાયાલયે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે અને સમરી ભરનાર તત્કાલીન પીઆઈ જે.જે. પટેલને હાઈકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ હવે મૃતકના પરીવારજનોને ન્યાયની આશા જાગી છે.


