ઋષભ શેટ્ટી બનશે છત્રપતિ શિવાજી મહારાજ, ભૂષણ કુમાર બે ભાગમાં બનાવશે ભવ્ય ફિલ્મ
ટી-સીરિઝના ભૂષણ કુમારે ઋષભ શેટ્ટી અને સંદીપ સિંહ સાથે મિલાવ્યા હાથ; 2027ની શરૂઆતથી શૂટિંગ શરૂ કરવાની તૈયારી
મુંબઈ, તા.31
ફિલ્મમેકર અને ટી-સીરિઝના ભૂષણ કુમારે 'ધ પ્રાઈડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ' નામની ફિલ્મને બે ભાગમાં બનાવવાની જાહેરાત કરી છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે તેમણે 'કાંતારા' ફેમ અભિનેતા ઋષભ શેટ્ટી અને ફિલ્મ નિર્દેશક સંદીપ સિંહ સાથે હાથ મિલાવ્યા છે. ફિલ્મમાં ઋષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે, જ્યારે ફિલ્મનું નિર્દેશન સંદીપ સિંહ કરશે.
આ પ્રોજેક્ટની જાહેરાત પ્રસંગે ભૂષણ કુમારે ઋષભ શેટ્ટીને તેમના નવા કામની શરૂઆતના પ્રતીકરૂપે છત્રપતિ શિવાજી મહારાજનું આશરે 100 વર્ષ જૂનું પેઇન્ટિંગ ભેટ આપ્યું હતું. બે ભાગમાં બનનારી આ ફિલ્મમાં 17મી સદીના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ, યુદ્ધો અને સ્વરાજ્યની સંકલ્પનાને રજૂ કરવામાં આવશે.
ફિલ્મની પટકથા ઋષિ વિરમાની અને સંદીપ સિંહે સંયુક્ત રીતે લખી છે. સંદીપ સિંહનું ફિલ્મનું નેરેશન સાંભળ્યા બાદ ભૂષણ કુમારે તત્કાળ આ પ્રોજેક્ટ હાથ ધરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. હાલમાં ફિલ્મનું પ્રિ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને વર્ષ 2027ની શરૂઆતથી શૂટિંગ શરૂ કરવાની તૈયારી છે.
છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને તેમના સ્વરાજ્યના સંઘર્ષને મોટા પડદા પર બે ભાગમાં રજૂ કરવાની આ યોજના ફિલ્મપ્રેમીઓમાં અત્યારથી જ ઉત્સુકતા જગાવી રહી છે.


