જમ્મુ-કાશ્મીર માટે નવી પર્વતીય નિતી તૈયાર કરવામાં આવી : વૈષ્ણોદેવી, અમરનાથ સહિતના ૧પ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુઓની સંખ્યા મર્યાદિત કરાશે
નવી દિલ્હી/શ્રીનગર, તા. ૩૦
જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ પર્વતીય વિસ્તારોને કુદરતી આપત્તિઓ અને વધતાં પ્રવાસનના દબાણથી બચાવવા માટે નવી ‘પર્વતીય વિકાસ નીતિ‘ તૈયાર કરવામાં આવી છે.
આ નીતિ હેઠળ મુખ્ય પ્રવાસન સ્થળો અને ધામિર્ક યાત્રા માર્ગો પર દરરોજ આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેથી હિમાલયન ક્ષેત્રો અને હિમ નદીઓનું રક્ષણ થઈ શકે.
આ નવી નીતિમાં અમરનાથ અને માતા વૈષ્ણોદેવી યાત્રા ઉપરાંત મચૈલ માતા, શિવખોડી, ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ, સહિતનાં ૧૫ મુખ્ય પ્રવાસન અને ધામિર્ક સ્થળોની વહન ક્ષમતા (કેપેસિટી) વૈજ્ઞાનિક ધોરણે નક્કી કરવામાં આવશે.
જ્યાં સુધી અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રશાસન દ્વારા અસ્થાયી દૈનિક મર્યાદા નક્કી કરવામાં આવશે. તેમજ તમામ શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન માટે એક સમાન ઓનલાઈન ‘જમ્મુ-કાશ્મીર પર્વતીય પ્રવેશ-પત્ર‘ મંચ બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે.


