ભવનાથમાં વર્ષોથી પેટીયુ રળતા નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવવા મનપાનાં પ્રયાસ સામે આક્રોષ : આવેદનપત્ર અપાયું
જૂનાગઢ તા. ૩૦
જૂનાગઢ મનપા તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં ધંધો રોજગાર કરી અને પેટીયુ રળતા નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવવાનો પ્રયાસ કરવામાં આવતા તેની સામે નાના ધંધાર્થીઓમાં આક્રોષ ફાટી નીકળ્યો છે. અને ગઈકાલે મનપાનાં કમિશ્નરને એક આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ મનપાનાં દબાણ હટાવ વિભાગે ભવનાથ તળેટીમાં કાવાની લારી ધરાવતા વેપારીઓને તાત્કાલીક અસરથી પોતાની લારીઓ હટાવી લેવા પ્રબંધ કરતા ચકચાર જાગી ઉઠી હતી. દિવાળીનાં તહેવાર નજીક આવી રહયા છે અને રોજીગારીની તક ઉભી થાય તેવા સમયે જ નાના ધંધાર્થજીઓની રોજીરોટી છીનવાઈ જાય તેવી મનપાની કામગીરી સામે રોષ ફાટી નીકળ્યો હતો.
દરમ્યાન ગઈકાલે નાના ધંધાર્થીઓ દ્વારા મનપાનાં કમિશ્નરને આવેદનપત્ર આપવા માટે કચેરીએ પહોંચ્યા હતાં. અને જયાં કમિશ્નરની કલાકો સુધી રાહ જાેવા છતાં પણ કામગીરીનું બહાનુ બતાવી અને કમિશ્નર નહી મળતા લારી ધારકોને નાયબ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરી હતી. વર્ષો થયા ભવનાથ તળેટીમાં ટ્રાફીક કે શ્રધ્ધાળુઓને કોઈપણ પ્રકારની અડચણરૂપ ન થાય તે રીતે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે તહેવારોના સમયે જ તેઓની રોજીરોટી છીનવાઈ જશે તો અમારા પરીવારનું પોષણ કેમ કરશું ? તેવી રજુઆત કરી હતી. આ તકે નાયબ કમિશ્નરે યોગ્ય ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.


