જૂનાગઢના જીઆઈડીસી-રમાં પ્લાસ્ટીકના કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકશાન

જૂનાગઢના જીઆઈડીસી-રમાં પ્લાસ્ટીકના કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકશાન

જૂનાગઢ તા.૯
જૂનાગઢ જીઆઈડીસી-રમાં આવેલા પ્લાસ્ટીકના એક કારખાનામાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ છે. આ આગના બનાવ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને 52000 લીટર પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી. આ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું મનાય છે.
દરમ્યાન જીઆઈડીસી-2 વિસ્તારમાં વ્યવસાય સંકુલ ધરાવતા વેપારીઓએ એવી વ્યથા પણ રજુ કરી હતી કે, જૂનાગઢ શહેરમાં ફાયર સ્ટેશન ગિરનાર દરવાજા સ્થિત છે. જયારે પણ કોઈ આગ લાગે ત્યારે ત્યાંથી અહીં પહોંચતા ઘણો સમય લાગે છે. સવારનો સમય હોવાને કારણે ફાયર વિભાગ પહોંચી ગયેલ પરંતુ ફાયર વિભાગ અને જે-તે સ્થળનું અંતર જયારે વધારે હોય ત્યારે ફાયર વિભાગ પહોંચે તે પહેલા તો ઘણો માલ બળીને ખાખ થઈ જતો હોય છે. અને આગ જયારે કોઈ સ્થળે લાગી હોય તો તેના આજુબાજુના વિસ્તારને પણ ચપેટમાં લેતા હોય છે. અહીં બધાના કારખાનાઓ હોય અને વેપારીઓએ માંડ કરીને માલ એકત્ર કર્યો હોય, લોન પણ લીધી હોય ત્યારે તેને નુકશાનીનો માર સહન કરવો પડે છે. જેથી સ્થાનિક તંત્ર પાસે અમારી એવી માંગણી છે કે, જીઆઈડીસી વિસ્તારમાં પણ ફાયર વિભાગનો એક પોઈન્ટ તાત્કાલીક અસરથી ફાળવે જેથી સંભવિત આગના સમયે તાત્કાલીક અસરથી ફાયર વિભાગનો સ્ટાફ મદદ માટે પહોંચી જાય.