ધાર ભોજશાળામાં 721 વર્ષ બાદ માતા વાગ્દેવીની પૂજા-આરતી થઈ

ધાર ભોજશાળામાં 721 વર્ષ બાદ માતા વાગ્દેવીની પૂજા-આરતી થઈ

ધાર તા.23:
મધ્ય પ્રદેશની ધાર ભોજશાલામાં હાઈ કોર્ટના ચુકાદા બાદ ગઈ કાલે માઁ સરસ્વતીની પૂજા થઈ હતી. સેંકડો વર્ષો પછી પહેલા શુક્રવારે અહીં માઁ વાગ્દેવીની પૂજા-આરતી થઈ હતી. આ પ્રસંગે ખૂબ મોટી માત્રામાં ભક્તો ભોજશાલામાં ઊમટી પડ્યા હતા. ઇતિહાસકારો કહે છે કે 721 વર્ષ બાદનો આ પહેલો શુક્રવાર છે જ્યારે ધાર ભોજશાલામાં માઁ વાગ્દેવીની પૂજા થઈ. એ જ કારણોસર ગઈ કાલનો દિવસ ધાર ભોજશાલાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.
ભક્તોએ ભોજશાલાના પરિસરમાં ગર્ભગૃહની ફૂલોથી સજાવટ કરી હતી અને માની મૂતિર્ને ચૂંદડી ચડાવી હતી. બપોરે અહીં મહાઆરતીનું આયોજન હોવાથી ભક્તોની હકડેઠઠ ભીડ જામી હતી. ભોજશાલા પરિસરની આસપાસ ભારે માત્રામાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યાં હતાં અને ડ્રોનથી ચાંપતી નજર રાખવામાં આવી હતી.
જોકે બીજી તરફ સેંકડો વર્ષ પછી પહેલી વાર આ સ્થળે જુમ્માની નમાઝ અદા નહોતી થઈ. જેના કારણે મુસ્લિમ સમુદાયમાં પણ તંગદિલી હતી. મુસ્લિમ સમુદાયમાં નારાજગી અને દુખ દેખાતાં હતાં. એમ છતાં કમાલ મૌલા મસ્જિદના અબ્દુલ સમદે કહ્યું હતું કે 'અહીં છેલ્લાં 700 વર્ષથી વધુ સમયથી જુમ્માની નમાજ અદા કરવામાં આવી હતી. આ પરંપરા ગઈ કાલે તૂટી હતી એનાથી સમાજમાં દુ:ખ જરૂર છે. જોકે અમારી લડાઈ સંપૂર્ણપણે સંવિધાનિક અને કાનૂની દાયરામાં રહેશે.'