મધુરમ-વંથલી હાઈવે પર આવેલ સાકાર રેસીડેન્સીમાં મનપાની કચરા કલેકશનની ગાડી છેલ્લા 10 દિવસથી નહીં આવતા ગંદકીનું સામ્રાજ્ય : રોગચાળાનો ખતરો
સ્વચ્છતા અભિયાનને માન આપી અને પાર્કિંગમાં જ એક જગ્યાએ અલગ-અલગ પેટીઓમાં રહેવાસીઓ દ્વારા એકત્રીત કરાયેલો કચરો તત્કાલ કોર્પોરેશન દ્વારા લઈ જવામાં આવે તેવી રહેવાસીઓની માંગણી
જૂનાગઢ તા.23
જૂનાગઢ મનપા દ્વારા દરેક વિસ્તારોમાંથી કચરાના કલેકશન માટે સતત ગાડીઓ દોડાવવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા દસેક દિવસથી મધુરમ-વંથલી હાઈવે રોડ પર આવેલા કારડીયા કન્યા છાત્રાલયની સામે આવેલ સાકાર રેસીડેન્સીમાં છેલ્લા 10 દિવસથી કચરાના કલેકશન માટે ગાડીઓ ન આવતા જેને કારણે સાકાર રેસીડેન્સીના પાર્કિંગમાં કચરાના ઢગલા વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે મનપા દ્વારા વહેલી તકે સાકાર રેસીડેન્સીમાં એકત્ર કરવામાં આવેલો સુકો અને ભીના કચરાનું કલેકશન કરી લેવામાં આવે તેવી માંગણી રહેવાસીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભીયાનને સફળ બનાવવા માટે દરેક શહેરોમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે અને મહાનગરોમાં ખાસ કચરો એકત્રીત કરવા માટેની કોર્પોરેશન દ્વારા ગાડીઓ દોડાવવામાં આવતી હોય છે. જૂનાગઢ શહેરમાં પણ દરેક વિસ્તારમાં કચરા માટેની ગાડીઓ દોડતી હોય છે અને કચરાનું કલેકશન કરવામાં આવે છે. દરમ્યાન મધુરમ-વંથલી હાઈવે રોડ પર આવેલ કારડીયા કન્યા છાત્રાલય સામે આવેલા સાકાર રેસીડેન્સીમાં રહેતા લોકોએ પોતાના રેસીડેન્સીનો ભીનો અને સુકો કચરો કયાંય પણ રોડ પર ન નાખતા હોય અને આ રેસીડેન્સીનો સુકો અને ભીનો કચરો એકત્રીત કરી અને પાર્કિંગના ગ્રાઉન્ડમાં અલગ-અલગ કચરા પેટીઓમાં એકત્ર કરવામાં આવે છે અને જયારે પણ મનપાની કચરા કલેકશન કરતી ગાડી આવે ત્યારે તેમાં ઠાલવવામાં આવે છે. દરમ્યાન છેલ્લા 10 દિવસથી સાકાર રેસીડેન્સી ખાતે મનપાની કચરાની ગાડીઓ ન આવતા કચરાના ઢગલા પાર્કિંગમાં ઠલવાયા છે અને જેને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને રોગચાળાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.
ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે વહેલી તકે, સાકાર રેસીડેન્સીમાંથી પાર્કિંગમાં રાખવામાં આવેલા કચરાનું કલેકશન કરી મનપાના કચરા કલેકશન કરતી ગાડીઓ દ્વારા લઈ જવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. સાકાર રેસીડેન્સીના રહેવાસીઓના સ્વચ્છતા અભિયાનને કોર્પોરેશનના કચરાનું કલેકશન કરતા ગાડીઓના કર્મચારીઓની લાપરવાહીના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે તાત્કાલીક અસરથી આ વિસ્તારમાં મનપા દ્વારા કચરા કલેકશનની ગાડીઓ મોકલી અને સાકાર રેસીડેન્સીના પાર્કિંગમાં એકત્રીત કરવામાં આવેલો ભીનો અને સુકો કચરો કચરા પેટીઓમાંથી વહેલી તકે લઈ જવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.



