જૂનાગઢમાં સરદાર સન્માન યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું : અખંડ ભારતના નારા ઠેર-ઠેર ગુંજી ઉઠયા
જૂનાગઢ તા.રર
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે, ‘સરદાર સન્માન યાત્રા ૨૦૨૫‘નું જૂનાગઢમાં ભવ્ય અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. બારડોલીના સ્વરાજ આશ્રમથી શરૂ થયેલી આ યાત્રા સોમનાથ પહોંચી છે અને ગઈકાલે જૂનાગઢ પહોંચતા જ આખું શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
યાત્રાનું સ્વાગત કરવા માટે પાટીદાર સમાજ સહિત શહેરના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. હજારોની મેદનીએ ‘ભારત માતા કી જય‘ અને ‘વંદે માતરમ‘ના નારા લગાવીને યાત્રાને વધાવી લીધી હતી. શહેરના મુખ્ય માર્ગોને તિરંગા અને બેનરોથી શણગારવામાં આવ્યા હતા, જેણે વાતાવરણને વધુ દેશપ્રેમી બનાવ્યું હતું.
આ યાત્રાના સ્વાગત માટે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, પાટીદાર સમાજના નેતાઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ એક જ મંચ પર આવ્યા હતા. આ કાર્યક્રમે સમાજની અનોખી એકતા અને સંગઠનશક્તિનો પરિચય કરાવ્યો. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના વિચારો આજે પણ એકતા, બલિદાન અને રાષ્ટ્રપ્રેમનો માર્ગ દર્શાવે છે, અને આ યાત્રા માત્ર સ્મૃતિ નહીં, પરંતુ સમાજની એકજુટતાનું પ્રતીક બની છે.?
આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડીયાએ આ યાત્રાને ‘અખંડ ભારતની સન્માન યાત્રા‘ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર પાટીદાર સમાજનું સન્માન નથી, પરંતુ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન છે, જેમણે ભારતને એક કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા.
શહેરના મુખ્ય માર્ગો પર ફરીને આ યાત્રાનું સમાપન ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે થયું, જ્યાં સરદાર પટેલે જૂનાગઢને આઝાદી મળ્યા બાદ પહેલી સભા કરી હતી. આ સ્થળે યોજાયેલી જાહેર સભામાં હજારો લોકોએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી અને તેમના વિચારોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં તમામ સમાજના લોકોએ એકસાથે મળીને દેશની અખંડિતતા જાળવી રાખવાની ભાવના વ્યક્ત કરી હતી.


