જૂનાગઢનાં જીઆઈડીસીમાં આવેલ પ્લાસ્ટીકનાં કારખાનમાં ભીષણ આગ લાગી : રૂા. ૧૦ લાખનાં નુકશાનનો અંદાજ
જૂનાગઢ તા. ૧૬
જૂનાગઢ શહેરમાં સાબલપુર નજીક જીઆઈડીસી-રમાં આવેલા પ્લાસ્ટીકનાં કારખાનામાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે નુકશાન થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આગને બુઝાવવાની તત્કાલ કામગીરી હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સાબલપુર નજીક જીઆઈડીસી-રમાં આવેલ એસ.કે. પ્લાસ્ટીકનાં કારખાનામાં આજે સવારે ૬ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. અને જે અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર વિભાગનો કાફલો બનાવનાં સ્થળે દોડી ગયો હતો. તેમજ ધોરાજીથી પણ ફાયર વિભાગને બોલાવવામાં આવેલ અને સતત ૧ કલાક ઉપરાંતની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ૧૦ ગાડીઓ પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. અને અંદાજીત રૂા. ૧૦ લાખનું નુકશાન આગને કારણે થયું હોવાનું મનાય છે. ભયાનક ભીષણ આગમાં પ્લાસ્ટીકનો જથ્થો બળીને ખાક થયો હતો. આ આગ શોર્ટ સર્કીટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અંદાજમાં મનાય છે.


