સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો આજે ગોલ્ડન જયુબીલી વર્ષમાં મંગલ પ્રવેશ
જૂનાગઢની શાન અને સોરઠનો ધબકાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો આજ તા.૧૬ ડીસેમ્બરનાં રોજ ગોલ્ડન જયુબીલી વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ગોલ્ડન જયુબીલી વર્ષનાં પાવન અવસરે ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં સ્થાપક શ્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયની દીર્ધદ્રષ્ટી, દ્રઢ મનોબળ અને પ્રબળ ઈચ્છાશકિતને લઈને જૂનાગઢથી પ્રસિધ્ધ થતાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકે ખુબજ ટુંકા સમયમાં લોકપ્રિયતાનાં શિખરો સર કરી લીધા હતાં. સમાજનાં દરેક વર્ગનાં લોકો સૌરાષ્ટ્રભૂમિ દૈનિકને પોતાનું પોતીકુ અખબાર માને છે. અને પોતાની દાદ-ફરીયાદ કે અન્ય સમાચાર હોય તે સૌરાષ્ટ્ર ભૂમિમાં જ અચુક પ્રસિધ્ધ થાય તેવો આગ્રહ રાખે છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં સ્થાપક કાર્તિકભાઈ ઉપાધ્યાયની એવી સદાય નીતી રહી હતી કે નાનામાં નાની વ્યકિતને પણ કોઈબાબતે અન્યાય થયો હોય તો તેને ન્યાય અપાવવા માટે તેમનાં પ્રશ્નોને નિર્ભિક વાચા આપવાનું ખમીર દર્શાવ્યું હતું. આજે વિશાળ વાંચક વર્ગ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથે જાેડાયેલો છે, પ્રારંભમાં દૈનિકની નાના પાયે શરૂઆત કરવામાં આવી હતી. અનેક પડકારો વચ્ચે પણ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક વટથી પ્રસિધ્ધ થતું રહયું છે. આ અખબારે કયારેય કોઈની શરમ રાખી નથી. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સમયની સાથે તાલ મીલાવી આધુનિક અદ્યતન ટેકનોલોજીનાં માધ્યમથી ઓફસેટ મશીનથી લઈ ફોરકલર સુધીની વણથંભી વિકાસ યાત્રા ચાલુ રાખી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકે આજે પ૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ભૂમિ પરીવારમાં આનંદનો અવસર છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં સ્થાપક, પથદર્શક પૂ. કાર્તિકભાઈ ઉપાધ્યાય આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમના આશિર્વાદ અમોને સદૈવ પ્રાપ્ત થઈ રહ્યા છે.
વર્તમાન યુગ ડીજીટલ યુગ છે ત્યારે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકે પણ ડીજીટલ યુગમાં પ્રવેશ કર્યો છે. આજે ી-પેપરનાં માધ્યમથી લાખો વાંચકો સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનું વાંચન માણે છે. આ તકે અમારા વિશાળ વાંચક વર્ગને જણાવતાં આનંદ થાય છે કે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં પ૦માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આધુનિક સુવિધા સજજ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભૂમિ દૈનિકની વેબસાઈટના માધ્યમથી એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી વાંચકો દેશ અને દુનિયાનાં પળેપળનાં સમાચારથી માહિતગાર રહી શકશે.
છેલ્લા પાંચ દાયકાથી અમોને આપ સૌએ જે સાથ-સહકાર આપ્યો છે તે બદલ
અમારો વિશાળ વાંચક વર્ગ, વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, વેપારીઓ, સરકારી તંત્ર
તેમજ વિવિધ વિભાગો અને વિજ્ઞાપનકારો, એજન્ટ મિત્રો, સહુ કોઈનો હૃદયપૂર્વક
આભાર માની ઋણ સ્વીકાર કરીએ છીએ.
અભીજીત ર્કાતિકભાઈ ઉપાધ્યાય
તંત્રી - સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક (જૂનાગઢ-ગાંધીનગર આવૃતિ)


