જૂનાગઢમાં જાહેર માર્ગની ફુટપાથ ખાલી કરાવો : લોકોની માંગ

ફુટપાથ ઉપર દબાણોને કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે : તહેવારોના દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ શહેરમાં જાહેર માર્ગ ઉપરના કથિત દબાણો દુર કરી અને ટ્રાફીકની સર્જાયેલી સમસ્યા દુર કરવા યોગ્ય કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.  જૂનાગઢ શહેરનાં મુખ્ય માર્ગો, બજારોમાં છેલ્લા કેટલાક  સમય થયા ટ્રાફીકની સમસ્યા સતત વધી રહી છે. એક તો સાંકડી બજારો, તેમાં પાછા નાના અને છુટક વેપાર કરતા નાના વેપારીઓ, પાથરણા પાથરી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી રોજગાર મેળવી રહયા હોય તેમજ લારી ધારકો પણ વિવિધ ચીજવસ્તુઓ વહેંચી અને રોજગારી મેળવતા હોય છે. પાથરણાવાળા, લારીવાળા, નાના વ્યવસાયકારો રસ્તાની સાઈડો ઉપર પોતાનો ધંધો, રોજગાર કરે છે. આ ઉપરાંત જાહેર માર્ગો ઉપર આવેલી ફુટપાથો ઉપર પણ નાના ધંધાર્થીઓ પોતાનો ધંધો, રોજગાર કરે છે. જૂનાગઢ શહેરનાં હાર્દ સમા મુખ્ય માર્ગો તેમજ બજારોમાં પણ આજ પરિસ્થિતી રહેલી છે. રસ્તાઓની  ફુટપાથો ઉપર ખાસ કરીને તહેવારોનાં દિવસો તેમજ રવિવારનાં દિવસે તો નાનકડો હાટ મંડાયો હોય તેમ ઠેક ઠેકાણે નાની દુકાનો શરૂ થઈ હોય તેમ જાેવા મળે છે. ફુટપાથ, રસ્તો જયાં પણ જગ્યા મળે ત્યાં બધાજ વિસ્તારોમાં આવી જ હાલત રવિવારે રહેતી હોય છે. પાથરણા, લારીવાળા અને ફુટપાથીયા  છુટક વેપારીઓનાં ધામાને કારણે રસ્તાઓની બંને સાઈડ તેમજ ફુટપાથો ઉપર રવિવારે અને તહેવારોમાં તો ભારે ગીર્દી થતી હોય છે અને રસ્તા ઉપર ટ્રાફીક સમસ્યા પણ ભારે સર્જાઈ છે. આવા માર્ગ ઉપરથી પસાર થવું એટલે દરેકને તકલીફરૂપ પણ બને છે. શહેરનાં પોસ્ટ ઓફીસ રોડ, પંચહાટડી ચોક, માંગનાથ રોડ,  કોલેજ રોડ, મોતીબાગ રોડ, એમજી રોડ, જુની સિવીલ હોસ્પીટલ રોડ સહીતનાં તમામ મુખ્ય માર્ગોની ફુટપાથો ઉપર ફુટપાથીયા ધંધાર્થીઓનાં કારણે  ટ્રાફીકની સમસ્યા ઉદ્ભવે છે. હાલ તહેવારો ચાલી રહયા છે ત્યારે તમામ બજારોમાં ખરીદીની મૌસમ શરૂ થઈ છે તેમાં પણ રવિવારનાં રોજ તો દરેક માર્ગો, બજારો, ભરચક બનાતી હોય છે. લોકોની સતત અવર-જવર રહેતી તેવા વિસ્તારોમાં આવેલી મુખ્યમાર્ગોની ફુટપાથોનાં દબાણો, પાથરણાવાળા, લારીવાળા સહીતનાં ફુટપાથીયા  ધંધાર્થીઓને કારણે ટ્રાફીક જામ સતત રહે છે. તેવી ફરીયાદો લોકોની છે. જૂનાગઢમાં ખાસ કરીને રવિવારે અને તહેવાર દરમ્યાન ઉઠતી ટ્રાફીક સમસ્યા હલ કરવા ફુટપાથ પરના દબાણો, ફુટપાથીયા વેપારીઓને દુર કરી ત્યાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠવા પામી છે.  અને સાથે આવા નાના ધંધાર્થીઓને યોગ્ય જગ્યાની ફાળવણી પણ કરવી જરૂરી છે. જેથી તેઓ પણ પોતાનો ધંધો-રોજગાર  મેળવી શકે. સંબંધીત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા લોકોની માંગ છે.