ખૂન, લૂંટ, ચોરી, ગુજસીટોક સહીતનાં ગુનામાં સંડોવાયેલા ૩ શખ્સોને સુરેન્દ્રનગર પંથકમાંથી એસઓજીએ ઝડપી લીધા
જૂનાગઢ તા. ૧૯
જૂનાગઢ એસઓજી પોલીસે ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ તેમજ ગુજસીકોટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા ૩ શખ્સોને ચોકકસ બાતમીના આધારે સુરેન્દ્રનગરનાં ગેડીયા વિસ્તારમાંથી ઝડપી લઈ તેમના વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેર અને જિલ્લામાં દારૂ જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વધુ સક્રિય બની છે. દરમ્યાન જૂનાગઢ રેન્જના આઇજી નીલેશ જાજડિયાની સૂચના અને જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈ એસ.ઓ.જી. જૂનાગઢના પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તથા ગુજસીટોક જેવા અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા કુલ ૩ આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામ નજીક વાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે.
આ આરોપીઓ સી ડિવિ. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાબી.એન.એસ. કલમ ૩૦૮(૫), ૧૧૫(૨) સહિત અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા હતા. થોડા દિવસો પહેલા પકડાયેલ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ રૂપિયા દસ હજાર આપવાનું કહી, આરોપીએ તેની પાસેનું ધારીયું બતાવી, ફરિયાદીને થપ્પડ મારી કાંઠલો પકડી રૂા. ૨,૫૦૦ બળજબરી પૂર્વક મારી નાખવાની ધમકી આપી કઢાવી લીધા હતા.
આ આરોપીઓને પકડવા એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલનમાં રહી, ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ હકીકત મેળવવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ કામના આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામ ખાતેના વાડી વિસ્તારમાં છુપાયેલા છે. જેથી જૂનાગઢ એસઓજીએ સુરેન્દ્રનગરના ગેડીયા ગામ નજીકથી ફેઝલ ઉર્ફે મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોઝભાઈ મલેક તેની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૩૧ ગુના નોંધાયેલા છે. રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ તેની વિરુદ્ધ ૮ ગુના નોંધાયેલા છે. સીરાઝ બોદુભાઈ ઠેબા તેની વિરુદ્ધ ૨ ગુના નોંધાયેલા છે. આ ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મળીને કુલ ૪૧ ગુના નોંધાયેલા છે. એસ.ઓ.જી.ની ટીમે આરોપીઓ પાસેથી ૧. મોબાઇલ ફોન નંગ-૩: કિંમત રૂા. ૭૦,૦૦૦ ,હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર: કિંમત રૂા. ૧૦,૦૦,૦૦૦, જીયો કંપનીનું રાઉટર નંગ-૧: કિંમત રૂા. ૧,૦૦૦ મળી કુલ રૂા. ૧૦,૭૧,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


