ચકચારી સાયબર ફ્રોડનાં ગુનામાં સંડોવણી નીકળતા અવધુત આશ્રમ ગૌશાળાનાં સંચાલક કલ્યાણગીરીની ધરપકડ : આજે કોર્ટમાં રજુ કરાશે

ચકચારી સાયબર ફ્રોડનાં ગુનામાં સંડોવણી નીકળતા અવધુત આશ્રમ ગૌશાળાનાં સંચાલક કલ્યાણગીરીની ધરપકડ : આજે કોર્ટમાં રજુ કરાશે

જૂનાગઢ તા. ૧૭
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા સાયબર ફ્રોડનાં ગુનામાં સંડોવાયેલા અવધુત આશ્રમ ગૌશાળાનાં સંચાલક કલ્યાણગીરીની પોલીસે ધરપકડ કરી છે. અને તેમને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે.અત્યાર સુધીમાં ૧૭ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ અંગે ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને તેનુ પગેરૂ મેળવવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાઓને ડામવા ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા ખાસ અભિયાન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેરાળા ગામે ગૌશાળાનું સંચાલન કરતા અને ભવનાથ અવધૂત આશ્રમના મહાદેવગીરીના શિષ્ય કલ્યાણગીરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું છે કે, કલ્યાણગીરીએ સાયબર ફ્રોડના નાણાં જમા થતા હોવાનું જાણ હોવા છતાં પોતાના અને ગૌસેવા ટ્રસ્ટના કુલ ત્રણ બેંક ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ‘ (ભાડે આપેલા ખાતા) તરીકે વાપરી કુલ ૪૦,૭૬,૩૮૦ ટ્રાન્સફર કર્યા હતા.આ રકમ દેશના નિર્દોષ નાગરિકો પાસેથી છેતરપિંડીથી પડાવવામાં આવી હતી.
દેશના અલગ રાજ્યોમાં ફ્રોડનો કારોબાર કલ્યાણગીરી અને તેની ટોળકી દ્વારા ફેલાવવામાં આવ્યો હતો. કલ્યાણગીરી બાપુ સામે નોંધાયેલી FIR મુજબ તેમના ખાતાઓમાં દેશના અલગ-અલગ ખૂણેથી છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ભારત સરકારના NCCRP પોર્ટલ દ્વારા મળેલી વિગતો મુજબ બાપુના ત્રણ ખાતાઓની તપાસ કરતા કલ્યાણગીરીની આખી ‘ક્રાઈમ કુંડળી‘ સામે આવી હતી. બાપુના SBI બેંકના વડાલ શાખાના ખાતામાં ઉત્તર પ્રદેશના આગ્રાના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદ જૈન સાથે થયેલા ‘ડિજિટલ અરેસ્ટ‘ ફ્રોડના ૫,૦૦,૦૦૦ જમા થયા હતા. સાયબર ઠગોએ ભોગ બનનારને ડરાવી-ધમકાવીને આ રકમ કલ્યાણગીરીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી.
દોલતપરા શાખામાં લાખોના ટ્રાન્ઝેક્શન મળ્યા હોવાની વિગતો પોલીસન IDFC ફર્સ્ટ બેંકના ખાતામાંથી મળી છે. અહીં કુલ ૩ મોટી ફરિયાદો નોંધાઈ છે જેમાં કુલ રૂા.૧૦,૫૬,૩૮૦ જમા થયા હતા. તમિલનાડુ વેલ્લોરના જસવંત કુમાર જૈન સાથે બ્રાન્ડીવાઈન કંપનીમાં રોકાણની લાલચ આપી રૂા. ૧.૩૪ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ઉપરાંત, આગ્રાના રાજેન્દ્ર પ્રસાદ જૈન પાસેથી ફરી એકવાર ‘ડિજિટલ અરેસ્ટ‘ના નામે કુલ રૂા. ૭.૮૮ લાખ પડાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના વિશ્વનાથ પાલ નામના નાગરિક સાથે પણ ઇન્ટરનેટ બેંકિંગ ફ્રોડ કરીને રૂા.૧.૩૪ લાખ આ જ ખાતામાં જમા કરાવ્યા હતા. આ તમામ નાણાં બાપુએ આર્થિક ફાયદા માટે ઉપાડી લીધા હતા.
ગૌસેવા ટ્રસ્ટમાં છેતરપિંડીની રકમ ઠાલવી હોવાનું સૌથી ગંભીર બાબત સામે આવી છે. બાલક્રિષ્નાગીરીબાપુ ગૌ સેવા ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં થયેલા વ્યવહારોમાં કલ્યાણ ગીરીએ પોતાના અંગત લાભ માટે કે પછી અન્ય કોઈને લાભ અપાવવા આ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે પણ તપાસનો વિષય બન્યો છે, આ ખાતામાં કુલ ૫ ફરિયાદો દ્વારા રૂા. ૨૫,૨૦,૦૦૦ મેળવાયા હતા. મહારાષ્ટ્રના મીરા રોડના સંજય સાનવાલ સાથે ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડ કરી રૂા. ૭ લાખ જમા કરાવ્યા હતા. દિલ્હીના વિજય સરદાના સાથે શેરબજારમાં રોકાણની લાલચ આપી રૂા. ૫.૨૦ લાખની છેતરપિંડી કરાઈ હતી. કર્ણાટક અને તમિલનાડુના અન્ય ભોગ બનનાર પાસેથી પણ ટ્રેડિંગના નામે લાખો રૂપિયા આ ટ્રસ્ટના ખાતામાં મંગાવાયા હતા.
સુનિયોજિત મોડસ ઓપરેન્ડી દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું તપાસમાં ફલિત થયું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ એક અત્યંત સુનિયોજિત નેટવર્ક છે. સાયબર ઠગો દેશભરના ભોગ બનનારને ટ્રેડિંગ, ડિજિટલ અરેસ્ટ કે રોકાણના નામે લલચાવીને રકમ બાપુના બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા. કલ્યાણગીરી બાપુ અથવા તેમની સાથે સંકળાયેલા સાગરિતો આ નાણાં ચેક દ્વારા અથવા ઓનલાઇન ટ્રાન્સફર કરી સગેવગે કરી નાખતા હતા. બાપુ પોતે આ નાણાં ફ્રોડના છે તે જાણતા હોવા છતાં, માત્ર કમિશન અથવા આર્થિક ફાયદા માટે પોતાના અને ટ્રસ્ટના ખાતા ભાડે આપ્યા જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના ભવનાથમાં આવેલા પ્રખ્યાત અવધૂત આશ્રમના જ એક ભાગ તરીકે કેરાળા ગામ પાસે ગૌશાળા કાર્યરત છે, જેના સંચાલક તરીકે કલ્યાણગીરી કામ કરતા હતા. અવધૂત આશ્રમના મુખ્ય મહંત મહાદેવગીરી એ કલ્યાણગીરીના ગુરૂ છે. કલ્યાણગીરીના આધાર કાર્ડ અને પાનકાર્ડમાં પણ પિતાના નામ તરીકે ‘મહાદેવગીરી‘ અને સરનામામાં ‘શ્રીધામ સન્યાસ આશ્રમ, કેરાળા‘નો સ્પષ્ટ ઉલ્લેખ છે. ગુરુના નામે શિષ્યએ કરેલા આ કાળા કારનામાથી આશ્રમની પ્રતિષ્ઠા પર પણ સવાલો ઉભા થયા છે. પોલીસ હવે એ પણ તપાસશે કે શું આ આશ્રમ કે ગૌશાળાના અન્ય હોદ્દેદારોને પણ આ છેતરપિંડીની જાણ હતી કે નહીં ? તેવો સવાલ ઉઠયો છે. દરમ્યાન જૂનાગઢ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડના નાણાં જે ખાતામાં સૌપ્રથમ ટ્રાન્સફર થાય છે તેને ટેકનિકલ ભાષામાં ‘L1‘ અથવા ‘મ્યુલ એકાઉન્ટ‘ કહેવામાં આવે છે. કલ્યાણગીરીના ખાતામાં આવી કુલ ૯ અલગ-અલગ ફરિયાદોના ૪૦.૭૬ લાખ ટ્રાન્સફર થયા છે. સાયબર ઠગો આવા બેંક એકાઉન્ટસ ભાડે રાખવા માટે ખાતાધારકોને રૂા. ૫,૦૦૦ થી રૂા. ૨૫,૦૦૦ સુધીનું કમિશન ચૂકવતા હોય છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ ૧૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરમ્યાન વિશેષમાં હજુ મોટા માથાઓના નામ ખુલે તેવી પ્રબળ શક્યતા દેખાય રહી છે. હાલમાં પોલીસે કલ્યાણગીરી બાપુના તમામ બેંક ટ્રાન્ઝેક્શન, ઈ-મેઈલ આઈડી (kalyangiri 56572@ gmail.com) અને તેની સાથે લિંક થયેલા મોબાઈલ નંબરોની ફોરેન્સિક તપાસ તેજ કરી છે. પોલીસને આશંકા છે કે, આ નેટવર્કમાં માત્ર કલ્યાણગીરી જ નહીં, પણ અન્ય કેટલાક સાધુ-સંતો કે સ્થાનિક સફેદપોશ લોકો પણ સામેલ હોઈ શકે છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ‘ હેઠળ થયેલી આ કાર્યવાહીથી સાયબર ઠગોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે આ આંતરરાજ્ય છેતરપિંડીના તાર ક્યાં સુધી અને કોની સાથે જાેડાયેલા છે તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો અને મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.