ગીર અભ્યારણ્યમાં એક સાથે 11 સિંહ જોવા મળ્યા : પ્રવાસીઓ ખુશખુશાલ, જવલ્લેજ જોવા મળતા દૃશ્યો કેમેરામાં કેદ કર્યા
જૂનાગઢ તા. રપ
ગુજરાતના ગીર જંગલમાંથી એક અદભૂત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેણે વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓને અભિભૂત કરી દીધા છે. સામાન્ય રીતે એક કે બે સિંહના દર્શન થવા પણ ગીરની સફારીમાં મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે, ત્યારે એકસાથે ૧૧ સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર લટાર મારતું જાેવા મળ્યું હતું. આ દ્રશ્યએ ગીરના જંગલને ફરી એકવાર "સાવજાેનું સામ્રાજ્ય" સાબિત કર્યું છે.
ગીરના સિંહોને તેમના ભવ્ય દેખાવ અને શક્તિશાળી વર્તનને કારણે ‘ડાલામથ્થા સાવજ‘ તરીકે ઓળખવામાં આવે છે. સિંહને સામાન્ય રીતે એકલા શિકાર કરતા કે નાના જૂથમાં જાેવામાં આવે છે, પરંતુ ગીરમાં સિંહોના મોટા પરિવારો જાેવા મળે છે. પ્રવાસીઓએ એકસાથે ૧૧ સિંહોનું વિશાળ ગ્રુપ શાંતિથી ટહેલતું નિહાળ્યું હતું. આ દ્રશ્ય એટલું અદ્ભુત હતું કે પ્રવાસીઓએ તાત્કાલિક પોતાના કેમેરામાં આ ક્ષણો કંડારી લીધી હતી.
પ્રવાસીઓએ જણાવ્યું કે, એકસાથે આટલા બધા સિંહોને નજીકથી જાેવું એ જીવનનો એક એવો અનુભવ છે જે માત્ર ગીર જ આપી શકે છે. સામાન્ય રીતે ૪-૫ સિંહોનું જૂથ જાેવા મળતું હોય છે, પરંતુ ૧૧ સિંહોનું આ વિરાટ ટોળું જાેઈને સૌ કોઈ આશ્ચર્યચકિત અને રોમાંચિત થઈ ગયા હતા.જૂનાગઢ નજીક પથરાયેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર એશિયાનું ગૌરવ છે. આ જંગલ એશિયાટિક સિંહ નું એકમાત્ર ઘર છે. ગીરની પ્રકૃતિ જેટલી સુંદર છે, તેટલી જ તે કઠોર પણ છે. અહીંની ભૂગોળ સૂકા, પાનખર જંગલો, ખડકાળ ટેકરીઓ અને ઊંડી ખીણોનું મિશ્રણ છે. લીલાંછમ વૃક્ષો, સૂકાં કડાયા વૃક્ષો અને અહીંની નદીઓ પ્રકૃતિનું વર્ણન કરે છે. ગીરનું આ સૌંદર્ય દર વર્ષે લાખો પ્રવાસીઓને પોતાની તરફ ખેંચે છે.



