વર્ષ ર૦ર૬-ર૭ માટે જૂનાગઢ મનપાનું રૂા. ૧,પ૦૧ કરોડનું બજેટ રજુ કરાયું
જૂનાગઢ તા. ર
જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તેજસ પરમાર દ્વારા આજે ર૦ર૬-ર૦ર૭નાં વર્ષનું ઈ-બજેટ રજુ કરવામાં આવ્યું હતું. આગામી વર્ષો માટેની ક્રમિક વિકાસ પ્રક્રિયાની રૂપરેખા રજુ કરતા આ બજેટમાં મહત્તમ સેકટરને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. રૂા. ૧,પ૦૧ કરોડનું બજેટ તૈયાર કરવામાં આવેલ છે. આ બજેટમાં વર્ષ ર૦રપ-ર૬ની રેવન્યુ આવક ૩૩૪.૧૮, કેપીટલ આવક ૧૧૪૭.૯૮, તેમજ કુલ આવક બજેટની ૧૪૮ર.૧૭ છે. જયારે ર૦ર૬-ર૭નાં વર્ષ માટે રેવન્યુ આવક ૩૩૯.૩૩ જયારે કેપીટલ આવક ૧૧પ૯.૭પ કુલ આવક ૧૪૯૯.૦૮ અંદાજવામાં આવી છે. જયારે ર૦રપ-ર૬નાં રેવન્યુ ખર્ચ ૩૩૪.૧૮, કેપીટલ ખર્ચ ૧૧૪પ.પ૬ કુલ ખર્ચ ૧૪૭૯.૭પ અંદાજવામાં આવેલ છે. જયારે ર૦ર૬-ર૭નાં વર્ષ માટે રેવન્યુ ખર્ચ ૩૩૯.૬પ, કેપીટલ ખર્ચ ૧૧પ૯.૭પ તેમજ કુલ ખર્ચ ૧૪૯૯.૪૦ અંદાજવામાં આવેલ છે. આજે રજુ થયેલા બજેટમાં કોર્પોરેટરોનાં વિકાસ કામો માટે માસીક રૂા. ૮૦ હજારની જાેગવાઈ કરવામાં આવી છે. જૂનાગઢ મનપા દ્વારા આગામી નાણાંકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેેરનાં સર્વાંગી વિકાસની સાથે મુખ્યત્વે રસ્તા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ અર્બન મોબીલીટી (શહેરી પરીવહન), આઈટી જેવી સુવિધાઓ અને સેવાઓનાં માળખાને વધુને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મુકવામાં આવેલ છે.
કમિશ્નર તેજસ પરમાર દ્વારા આજે રજુ કરવામાં આવેલા બજેટ સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ મુકવામાં આવેલ છે. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સુધારા-વધારા સાથે તૈયાર કરેલ બજેટને આગામી જનરલ બોર્ડમાં મુકવામાં આવશે અને ત્યારબાદ મંજુર કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે.
બજેટની મુખ્ય હાઈલાઈટસ :
* રહેણાંક તથા બીન રહેણાંક પ્રોપર્ટી ટેકસનાં દરો યથાવત રખાયા છે.
* નકકી થયેલ ફેકટર એફ-૧, એફ-ર, એફ-૩, એફ-૪માં પાંચ ટકાનો વધારો થશે. જયારે પ્રોપર્ટી ટેક્ષમાં ર૦ર૮-ર૮થી દર વર્ષે ફેકટર રેટમાં ૧ ટકાનો વધારો
* પાણી વેરો તથા ડ્રેનેજ ફીમાં વધારો
* આવનારા વર્ષમાં રૂા. પ૦ કરોડનાં બોન્ડ બહાર પાડી મનપાની આવક વધે તેવા પ્રોજેકટનું આયોજન
* શહેરમાં ટુ વ્હીલર ઈ-વ્હીકલ ખરીદનારને વ્હીકલ ચાર્જમાંથી માફી
* ર૦ ચો.મી.થી નાની પ્રોપર્ટી તથા મનપા હદ વિસ્તારમાં આવતા ઝુંપડ પટ્ટી, કાચા મકાનો, બીન રહેણાંક ખુલ્લા પ્લોટ જેવી મિલ્કતોમાં વધારો નથી.
*સફાઈ વેરો તથા યુઝર ચાર્જમાં કોઈ ફેરફાર નથી.
* સાબલપુર પાસે સ.નં. ૭૭/બી પર આર.ઓ.બી. બનાવવા સરકાર દ્વારા રૂા. ૬૪.૩૭ કરોડની મંજુરી મળેલ છે જેની કામગીરી શરૂ કરાશે.
* જૂનાગઢ શહેરમાં કુલ ર સીટી સિવીક સેન્ટર બનાવવાનું આયોજન
* મજેવડી દરવાજા પાસે કોર્પોરેશનની જગ્યામાં સીટી સેન્ટર બનાવાશે જેમાં આધુનિક સુવિધાયુકત ટાઉનહોલ, લાયબ્રેરી, રીડીંગ રૂમ, કોમ્યુનીટી હોલ, કમ પાર્ટી પ્લોટ જેવી સુવિધા મળી રહે તે માટે આયોજન રૂા. ૧૦૦ કરોડનો ખર્ચ થશે.
* જૂનાગઢ શહેરનાં આર્થિક રીતે નબળા કે મધ્યમ વર્ગનાં લોકોને ઘરનું ઘર મળે તે માટે સરકારનાં એફોર્ડેબલ હાઉસીંગ મીશન અંતર્ગત મેંદરડા-જૂનાગઢ હાઈવે પર કુલ ૩૯ર ફલેટ બનાવાશે.
* ભુગર્ભ ગટર તથા પાણીની લાઈન જેવી યુટીલીટી પૂર્ણ થયેલ હોય તેવા વિસ્તારોમાં નવા સીસી તથા પેવર રોડ બનાવાશે.
* અમૃત યોજના હેઠળ ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી પૂર્ણ કરાશે.
* વોટર સપ્લાય પેકેજ-૧ તથા રની કામગીરી આગામી વર્ષમાાં પૂર્ણ કરાશે.
*વાઘેશ્વરી તળાવની કામગીરી પૂર્ણ કરી આગામી વર્ષમાં લોોકો માટે ખુલ્લુ મુકાશે.
* આ ઉપરાંત પ્રજાનાં પ્રશ્નોનાં ઝડપી નિવારણ માટે વોટસએપ ચેટબોટની સેવાનો અમલ કરાશે.
*કચેરીની વહીવટી સરળતા માટે રેકર્ડ ડીઝીટલાઈઝેશનની ભરતી પ્રક્રિયા સહીતની કામગીરી થશે.
*જૂનાગઢ મનપાની પાર્કીંગ સમસ્યાને ધ્યાને લઈ નવી પાર્કીંગ પોલીસની અમલવારી થશે.
* શહેરમાં ફીઝીયોથેરાપીની સુવિધા સીનીયર સીટીઝન તથા જરૂરીયાતમંદ દર્દીઓને વિના મુલ્યે આપવા ફીઝીયોથેરાપી સેન્ટર શરૂ થશે.
* જુવેનાઈલ ડાયાબીટીક બાળકોને ફ્રી ઈન્સ્યુલીન પેન આપવાનું આયોજન.
* ક્ષય રોગનાં દર્દીઓને પુરક સહાય આપી શકાય તે માટે રૂા. ર૦ લાખની બજેટમાં જાેગવાઈ
* શહેરી વિસ્તારની શાળાઓમાં સેનેટરી વેન્ડીંગ મશીન માટે પાયલોટ પ્રોજેકટ
* ચોબારી ગામ ટી.પી. રીઝર્વ પ્લોટ ખાતે આધુનિક ગૌશાળા કમ હોસ્પીટલનું રૂા. ૧૪ કરોડનાં ખર્ચે કામ પૂર્ણ કરાશે.
* આગામી વર્ષે ડોગ સર્વેની કામગીરી તેમજ રખડતા કુતરા સાચવવા સેલ્ટર હોમ બનાવાશે.
* પ એપ્રીલ ર૦ર૬ સુધી પેટ એનીમલ રજીસ્ટ્રેશનની કામગીરી ફ્રી કરવામાં આવશે.
* શહેરનાં સાબલપુર લોન નદી બ્રીજ, કાળવા બ્રીજ, રાયજીભાગ બ્રીજ ઉપર વિવિધ થીમ જેવી કે હેરીટેજ, સ્પીરીચ્યુઅલ, વાઈલ્ડ લાઈફ થીમ આધારીત બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવશે.
* શહેરની હેરીટેઝ બીલ્ડીંગોની ઓળખ કરી તેનાં રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરાશે.
* શહેરનાં વિવિધ સર્કલનું ડેવોલપમેન્ટ કરી અને જુદી જુદી થીમ આધારીત બ્યુટીફીકેશનની કામગીરી કરવામાં આવશે.
* ભવનાથ રોડ ફોરેસ્ટ ગેટથી પ્રવાસન ગેટ સુધી ૧૬૦ વિન્ટ આર્ટ મુકવાનું આયોજન છે.
* શહેરનાં મુખ્ય રોડ અને જાહેર સ્થળોએ સ્માર્ટ પબ્લીક ટોયલેટ રૂા. પાંચ કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે.


