24મા જન્મદિવસે અનીત પડ્ડાની ભાવુક પોસ્ટે જીત્યાં ચાહકોનાં દિલ

સ્વર્ગસ્થ દાદુને યાદ કરી અભિનેત્રી થઈ ભાવુક; પરિવાર, મિત્રો અને ચાહકોના પ્રેમ બદલ વ્યક્ત કરી કૃતજ્ઞતા

24મા જન્મદિવસે અનીત પડ્ડાની ભાવુક પોસ્ટે જીત્યાં ચાહકોનાં દિલ

મુંબઈ તા.6
અભિનેત્રી અનીત પડ્ડાએ પોતાનો 24મો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સાથે ભાવુક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં અનીતે જન્મદિવસ સાથે જોડાયેલી જૂની યાદો, સ્વજનોની ખોટ અને જીવનમાં મળેલા પ્રેમ પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
પોતાની પોસ્ટની શરૂઆત કરતાં અનીતે લખ્યું હતું કે, “જન્મદિવસમાં એવું કંઈક છે જે મને રડાવી દે છે.” તેણે જણાવ્યું હતું કે જન્મદિવસનો દિવસ તેને જૂની યાદો, અધૂરી રહી ગયેલી વાતો, વ્યક્ત ન કરી શકેલી લાગણીઓ અને એવા લોકોની યાદ અપાવે છે, જેમની સાથે તે વધુ સમય વિતાવવા માગે છે. આ દરમિયાન તેણે પોતાના સ્વર્ગસ્થ દાદુને પણ યાદ કર્યા હતા. દાદુની ગેરહાજરીમાં જન્મદિવસની ઉજવણી કરવી તેના માટે કેટલી મુશ્કેલ છે તે પણ તેણે ભાવુક અંદાજમાં વ્યક્ત કર્યું હતું.
જોકે, આ દિવસ દરમિયાન અનીતને જીવનમાં મળેલા પ્રેમ અને હૂંફનો પણ અહેસાસ થયો હતો. માતા-પિતાના ફોન, બહેન તરફથી મળેલી ખાસ ભેટ અને બાળપણની મિત્રનો સંદેશ તેના માટે યાદગાર બન્યાં હતાં. આ ઉપરાંત, નવા મિત્રો અને જીવનમાં નવા અનુભવો કરાવનારા લોકોનો પણ તેણે આભાર માન્યો હતો. પોતાના ચાહકોને પરિવારનો જ એક ભાગ ગણાવતાં અનીતે જણાવ્યું હતું કે તેમના તરફથી મળેલા પ્રેમભર્યા સંદેશાઓ વાંચીને તેની આંખો ભીની થઈ ગઈ હતી.
જીવનના 24મા વર્ષમાં પ્રવેશ કરતાં અનીતે સ્વીકાર્યું હતું કે ક્યારેક તે ભૂતકાળની યાદોમાં એટલી ખોવાઈ જાય છે કે વર્તમાનમાં તેની પાસે રહેલા પ્રેમ અને ખુશીઓની કદર કરવાનું ભૂલી જાય છે. અંતમાં તેણે પોતાના જન્મદિવસને ખાસ બનાવનારા પરિવારજનો, મિત્રો અને તમામ ચાહકોનો આભાર માન્યો હતો. અનીતની આ લાગણીસભર પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે.