રજનીકાંતની ‘જેલર 2’ હવે OTT પર થશે રિલીઝ
રૂ.820 કરોડની કમાણી બાદ 12 નવેમ્બરથી પ્રાઈમ વીડિયો પર પાંચ ભાષાઓમાં માણી શકાશે ફિલ્મ
મુંબઈ તા.6
સુપરસ્ટાર રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જેલર 2’ હવે થિયેટરોમાં સફળતા મેળવ્યા બાદ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. વિશ્વભરમાં અંદાજે રૂ.820 કરોડની કમાણી કરનારી આ ફિલ્મની ડિજિટલ રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ 12 નવેમ્બર, 2026થી એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે. ખાસ વાત એ છે કે દર્શકો આ ફિલ્મ એકસાથે પાંચ ભાષાઓમાં જોઈ શકશે.
પ્રાઈમ વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર ‘ટાઈગર મુથુવેલ પાંડિયન ઈઝ બેક’ અને ‘રિલોડેડ’ સંદેશ સાથે ફિલ્મની OTT રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષામાં ઉપલબ્ધ રહેશે. ભારત ઉપરાંત વિશ્વના 240થી વધુ દેશો અને પ્રદેશોમાં દર્શકો આ ફિલ્મ જોઈ શકશે.
‘જેલર 2’નું દિગ્દર્શન નેલ્સન દિલીપકુમારે કર્યું છે, જ્યારે સન પિક્ચર્સના કલાનિધિ મારને ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં રજનીકાંત ફરી એકવાર નિવૃત્ત જેલર ટાઈગર મુથુવેલ પાંડિયનના લોકપ્રિય પાત્રમાં જોવા મળે છે. ફિલ્મની વાર્તા મુજબ, મુથુવેલ પાંડિયન નિવૃત્તિ બાદ પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માગે છે, પરંતુ શક્તિશાળી ગુનાહિત સિન્ડિકેટ અને જૂના દુશ્મનોના કારણે તેને ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં પરત ફરવું પડે છે. પરિવાર અને પોતાની વિરાસતને બચાવવા માટે તે એક ખતરનાક મિશન હાથ ધરે છે. ફિલ્મમાં એક્શન, ભવ્ય દૃશ્યો અને ભાવનાત્મક પ્રસંગોનો સમન્વય જોવા મળે છે.
રજનીકાંત ઉપરાંત ફિલ્મમાં એસ.જે. સૂર્યા, શિવરાજકુમાર, રામ્યા કૃષ્ણન, યોગી બાબુ, વિદ્યા બાલન, મિથુન ચક્રવર્તી, સુરજ વેન્જારમૂડુ અને નમો નારાયણ સહિતના કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ઉપરાંત મોહનલાલ, હૃતિક રોશન અને વિજય સેતુપતિની ખાસ હાજરી પણ ફિલ્મનું આકર્ષણ બની છે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે.
બોક્સ ઓફિસ પર પણ ‘જેલર 2’એ નોંધપાત્ર સફળતા મેળવી છે. વિવિધ બોક્સ ઓફિસ ટ્રેકર્સના અહેવાલો અનુસાર, ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન આશરે રૂ.820 કરોડ સુધી પહોંચ્યું છે, જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન રૂ.545 કરોડથી વધુ નોંધાયું છે. આ સફળતાને પગલે ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મોમાં ટોચના સ્થાન સુધી પહોંચી છે. દિગ્દર્શક નેલ્સન દિલીપકુમારે જણાવ્યું હતું કે મુથુવેલ પાંડિયનના પાત્રને દર્શકોએ આપેલો પ્રેમ તેમના માટે ખાસ છે. સિક્વલમાં વાર્તા, એક્શન, ભવ્યતા અને ભાવનાત્મક પાસાંને વધુ મોટા સ્તરે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે થિયેટરો બાદ OTT પર પણ ‘જેલર 2’ દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.


