શ્રીયમે ‘સુમો દીદી’ માટે નવ મહિના કરી સખત મહેનત, રોજ આઠ કલાક લીધી તાલીમ

હેતલ દવેની ભૂમિકા માટે વજન વધાર્યું અને સુમો-જૂડોની તાલીમ મેળવી; ટ્રકને ધક્કો મારવા સહિતનાં શારીરિક દૃશ્યો જાતે જ કર્યાનો દાવો

શ્રીયમે ‘સુમો દીદી’ માટે નવ મહિના કરી સખત મહેનત, રોજ આઠ કલાક લીધી તાલીમ

મુંબઈ તા.5
અભિનેત્રી શ્રીયમ ભગનાનીએ ફિલ્મ ‘સુમો દીદી’માં ભારતની પ્રથમ મહિલા સુમો રેસલર હેતલ દવેની ભૂમિકા ભજવવા માટે નવ મહિના સુધી સખત મહેનત કરી હતી. પોતાની કારકિર્દીના પ્રથમ મુખ્ય પાત્ર માટે તેણે શારીરિક અને માનસિક રીતે ખાસ તૈયારી કરી હતી. આ દરમિયાન શ્રીયમે દરરોજ 7થી 8 કલાક તાલીમ લીધી હતી, જેમાં વેઈટ ટ્રેનિંગ, યોગ, ફિઝિયોથેરાપી ઉપરાંત સુમો અને જૂડો રેસલિંગનો પણ સમાવેશ થતો હતો.
એક ઇન્ટરવ્યુમાં શ્રીયમે જણાવ્યું હતું કે વાસ્તવિક વ્યક્તિની જીવનકથા પર આધારિત ફિલ્મમાં કામ કરવાની જવાબદારી સામાન્ય ફિલ્મ કરતાં અલગ હોય છે. હેતલ દવે આજે પણ જીવિત છે અને તેમની ઉંમર પણ શ્રીયમની આસપાસ હોવાથી દર્શકો બંનેની સરખામણી કરી શકે તેમ હતા. તેથી તેના માટે સૌથી મોટો પડકાર માત્ર મુખ્ય ભૂમિકા ભજવવાનો નહોતો, પરંતુ હેતલની અસાધારણ અને પ્રેરણાદાયી સફરને યોગ્ય રીતે પડદા પર રજૂ કરવાનો હતો.
હેતલ દવેના પાત્રને વાસ્તવિક દેખાવ આપવા માટે શ્રીયમે પોતાનું વજન પણ વધાર્યું હતું. તેણે જણાવ્યું કે શરૂઆતમાં તેને લાગતું હતું કે પાત્રની જરૂરિયાત પ્રમાણે શારીરિક પરિવર્તન કરવું કલાકાર માટે સામાન્ય બાબત છે. આમિર ખાન અને જોની ડેપ જેવા કલાકારોને જોઈને તેને પણ આ પ્રક્રિયા સ્વાભાવિક લાગી હતી. જોકે, વજન વધાર્યા બાદ શૂટિંગ દરમિયાન અલગ-અલગ સ્થળોએ જતાં તેને લોકોના બદલાયેલા વ્યવહારનો અનુભવ થયો હતો. તેના શરીરના બદલાયેલા આકારને કારણે લોકો તેને અલગ નજરે જોવા લાગ્યા હતા.
ફિલ્મમાં ટ્રકને ધક્કો મારવા સહિતનાં અનેક મુશ્કેલ શારીરિક દૃશ્યો શ્રીયમે જાતે જ કર્યાં હોવાનો દાવો કર્યો હતો. તેના જણાવ્યા અનુસાર, આ દૃશ્યો માટે કોઈ AI કે એડિટિંગની મદદ લેવામાં આવી નથી. નવ મહિનાની તાલીમ દરમિયાન પોતાની અંદર એક ખેલાડીનો જન્મ થયો હોવાનું જણાવતાં શ્રીયમે કહ્યું હતું કે કેટલીક એવી શારીરિક પ્રવૃત્તિઓ પણ તેણે કરી બતાવી હતી, જે કરી શકશે એવો તેને પોતાને પણ વિશ્વાસ નહોતો. આજે પાછળ વળીને જોતાં તેને લાગે છે કે કદાચ તે ફરીથી એ બધું કરી શકે તેમ નથી.
જયંત રોહતગીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘સુમો દીદી’માં શ્રીયમ ઉપરાંત ચૈતન્ય શર્મા, અનુભા ફતેહપુરા, નીતેશ પાંડે અને રાઘવ ધીર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા રૂઢિચુસ્ત મારવાડી પરિવારમાંથી આવતી હેતલની આસપાસ ફરે છે. સામાજિક વિરોધ અને બોડી-શેમિંગનો સામનો કરીને હેતલ સુમો રેસલિંગમાં નામ કમાવવાનું પોતાનું સપનું સાકાર કરવા જાપાન સુધી પહોંચે છે. આ પ્રેરણાદાયી સફરને શ્રીયમે પોતાના અભિનય અને નવ મહિનાની સખત તૈયારી દ્વારા પડદા પર જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.