‘માલામાલ વીકલી 2’માં મોટા ફેરફાર, અમિત જોશીને સોંપાઈ ડિરેક્શનની જવાબદારી
પ્રિયદર્શન સિક્વલનું નિર્દેશન નહીં કરે, રિતેશ દેશમુખ પણ ફિલ્મમાં જોવા નહીં મળે તેવી ચર્ચા; નવી સ્ટારકાસ્ટની ટૂંક સમયમાં જાહેરાત થશે
મુંબઈ તા.5
વર્ષ 2006માં રિલીઝ થયેલી લોકપ્રિય કોમેડી ફિલ્મ ‘માલામાલ વીકલી’ની સિક્વલને લઈને મહત્વના ફેરફારો સામે આવ્યા છે. મૂળ ફિલ્મનું નિર્દેશન કરનાર પ્રિયદર્શને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ‘માલામાલ વીકલી 2’ સાથે જોડાયેલા નથી. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા નથી અને હવે કોઈ પણ ફિલ્મની સિક્વલ ડિરેક્ટ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
પ્રિયદર્શનના સ્થાને ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ના સહ-નિર્દેશક અમિત જોશીને સિક્વલના નિર્દેશનની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, મૂળ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા રિતેશ દેશમુખ પણ આ વખતે સિક્વલમાં જોવા નહીં મળે તેવી ચર્ચા છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ફિલ્મ માટે કલાકારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નવી સ્ટારકાસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ‘માલામાલ વીકલી’ની વાર્તા એક ગામના લોકોની આસપાસ ફરે છે, જેમને એક મૃત વ્યક્તિની લોટરી ટિકિટ મળી આવે છે. આ ટિકિટના ઇનામની રકમ મેળવવા માટે ગામના લોકો પ્રયાસ કરે છે અને તેના કારણે અનેક ગેરસમજણો તથા રમૂજી પરિસ્થિતિઓ સર્જાય છે. ફિલ્મની આ અનોખી વાર્તા અને કોમેડીએ દર્શકોનું મનોરંજન કર્યું હતું. હવે સિક્વલમાં નવી સ્ટારકાસ્ટ અને નવી વાર્તા સાથે ગામડાનું વાતાવરણ તથા મૂળ ફિલ્મનો કોમેડી મિજાજ જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે.


