કારસેવકોની સ્મૃતિમાં જૂનાગઢમાં રક્તદાન મહાયજ્ઞ યોજાયો
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરા અને પ્રસિદ્ધ લોકગાયક દિવ્યેશભાઈ જેઠવાની ખાસ ઉપસ્થિતિ રહી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ, તા.૫
અયોધ્યા રામજન્મભૂમિ આંદોલન દરમિયાન ધર્મ અને આસ્થા માટે બલિદાન આપનાર કારસેવકોની પવિત્ર સ્મૃતિમાં હુતાત્મા દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જૂનાગઢ દ્વારા રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કારસેવકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન કેમ્પ તા. ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૫થી ૧૦ વાગ્યા દરમિયાન જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે આવેલા શ્રી જલારામ મંદિર ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરા તેમજ પ્રસિદ્ધ લોકગાયક દિવ્યેશભાઈ જેઠવાની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું. આયોજકો દ્વારા કારસેવકોના સંઘર્ષ, સમર્પણ અને બલિદાનને યાદ કરવાની સાથે માનવસેવાના ભાવને જીવંત રાખવાના આશયથી આ રક્તદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને રક્તની અછતના કારણે કોઈ દર્દીને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા સેવાભાવી હેતુ સાથે આ મહાયજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને આયોજકોએ રક્તદાનના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે અને એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાન બની શકે છે. કારસેવકોના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ માનવતા અને સેવાકાર્યના સંકલ્પને આગળ વધારીને જ આપી શકાય છે. સમાજના દરેક સ્વસ્થ નાગરિકે રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જૂનાગઢ દ્વારા યોજાયેલા આ રક્તદાન મહાયજ્ઞમાં કારસેવકોની સ્મૃતિને વંદન કરવાની સાથે માનવસેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.


