ઉત્તરકાશીમાં ઈનોવા કાર નદીમાં ખાબકતા ૪ ગુજરાતીના મોત
ઉત્તરકાશી તા.પ
ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર એક ઇનોવા કાર નિયંત્રણ ગુમાવીને ઊંડી ખીણમાં ખાબકતાં નદીમાં પડી હતી. અકસ્માતમાં ૪ લોકોનાં મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. કારમાં કુલ ૭ લોકો સવાર હતા. અકસ્માત ગુરુવારે વહેલી સવારે ગંગનાની નજીક ધારા કુંડથી લગભગ ૨૦ મીટર આગળ ડબરાની તરફ થયો. કારનો નંબર UK08 TA6040 છે, જે હરિદ્વારમાં રજિસ્ટર્ડ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર અન્ય મુસાફરો ગુજરાતના રહેવાસી છે. જોકે, તેઓ ગુજરાતમાં ક્યાંના વતની છે, તેની માહિતી હજી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસ, SDRF અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને રેસ્કયૂ ટીમની મદદથી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


