'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ પખવાડી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ યોજાશે
રાજકોટ તા. ૧૭ :
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧૭ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાનનો શુભારંભ થશે. સમગ્ર ગુજરાતમાં તા. ૦૨ ઓક્ટોબર સુધી 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' પખવાડીયું ઉજવાશે. જેમાં મહિલાઓ, બાળકો સહિત તમામ લોકોને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે.
રાજકોટ જિલ્લા આરોગ્ય શાખા અંતર્ગત ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨ અર્બન આરોગ્ય કેન્દ્ર, ૨૯૩ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ગાયનેક, પીડીયાટ્રીશ્યન, આંખ-કાન-ગળાના સર્જન તથા અન્ય નિષ્ણાતો સેવાઓ આપશે. નિષ્ણાતોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ઉપરાંત ઇન્ડીયન મેડીકલ એસોસીએશન, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના માન્ય હોસ્પિટલ, સી.એમ. સેતુ, એસોસીએશન ઓફ પીડીયાટ્રીશ્યનના તબીબોનો સમાવેશ કરાશે.
મહિલાઓ માટે ચકાસણી અને આરોગ્ય સેવાઓ
આંખ-કાન-ગળા, બ્લડપ્રેશર, બ્લડસુગર અને ડેન્ટલ ચેક-અપ, કેન્સર (મોં, સ્તન, ગર્ભાશય), ક્ષય રોગ (ટી.બી.), સિકલ સેલ, એનિમિયાની ચકાસણી, રસીકરણ સેવાઓ, ગર્ભવતી મહિલાઓની પૂર્વ પ્રસૂતિ તપાસ, એનિમિયા સ્તર ચકાસણી, ટેલિમેડિસિન સુવિધાઓ, વિશેષ કન્સલ્ટેશન, તંદુરસ્ત જીવનશૈલી અને વેલનેસ ઘટકો, ખાંડ અને તેલનો ઉપયોગ બંધ કરીને સ્થૂળતા ઓછી કરવી, સ્થાનિક તથા પ્રાદેશિક આહાર, માસિક સ્વચ્છતા તથા પોષણની જાગૃતિ, બાળપણથી પોષણયુક્ત ખાણીપીણીની રીત અપનાવવી, ટેક હોમ રેશનનું વિતરણ, માતા અને બાળક સંરક્ષણ કાર્ડ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, આયુષ્માન વયવંદના કાર્ડ, સિકલ સેલ કાર્ડ, પોષણ ટ્રેકરમાં લાભાર્થીઓ, સ્વયંસેવક, નિક્ષય મિત્ર, અંગદાનની નોંધણી, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવશે.
વિશેષ રસીકરણ દિવસો
- તા. ૧૭/૦૯ - મહામમતા દિવસ (સગર્ભાઓનું ટી.ડી. રસીકરણ)
- તા. ૨૦/૦૯ - પંચગુણી રસીકરણ
- તા. ૨૪/૦૯ - પોલીયો રસીકરણ
- તા. ૨૫/૦૯ - મીઝલ્સ-રૂબેલા રસીકરણ
- તા. ૦૧/૧૦ - મહામમતા દિવસ
આ અભિયાનની સફળતા માટે ગત તા. ૧૧થી શરૂ કરાયેલા સર્વે દરમિયાન સગર્ભા માતાઓ અને જન્મથી ૦૨ વર્ષના બાળકો કે જેઓ ટી.ડી., એમ.આર., ઓ.પી.વી. અને આઇ.પી.વી.ના ડોઝ ચૂકી ગયા હોય તેમની નોંધણી કરીને રસીકરણ સુનિશ્ચિત કરાશે. ઉલ્લેખનીય છે કે તા. ૧૭ના રોજ સવારે ૧૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પંડિત દિનદયાળ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના તબીબોની સેવા આપતો મેગા હેલ્થ કેમ્પ યોજાશે, જેનો લાભ લેવા આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજથી ર ઓકટોબર ૨૦૨૫ સુધી “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” નો દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ
રાજકોટ તા. ૧૭ : ‘‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ થનારો છે. જેના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય મંત્રી, શ્રમ અને રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૧૭ સપ્ટેમ્બર સવારે ૧૧:૦૦ વાગ્યે શુભારંભ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાકક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેચર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, સંસદસભ્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા ધારાસભ્યો સર્વે શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રીમતી ગીતાબા જાડેજા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહેશે.


