સ્વાસ્થ્યવર્ધક ફ્રૂટની ખેતીમાં ધ્રાંગધ્રાનાં રાજવી પરિવારનું 'એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ' આજે અનેક ખેડૂતો માટે બન્યું પ્રેરણાસ્ત્રોત

૬૧ વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટના C વેરાયટીના ૯૫,૬૦૦ પ્લાન્ટનું વાવેતર; પ્લાન્ટદીઠ અંદાજે ૧૫ કિલો ઉત્પાદન, ગત વર્ષે રૂ. ૯૦ લાખથી વધારેનાં ઉત્પાદનોનું વેચાણ સમગ્ર ખેતરમાં ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ, જે પાણીની બચત કરે છે અને મજૂરી ખર્ચ ઘટાડે

સ્વાસ્થ્યવર્ધક ફ્રૂટની ખેતીમાં ધ્રાંગધ્રાનાં રાજવી પરિવારનું 'એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ' આજે અનેક ખેડૂતો માટે બન્યું પ્રેરણાસ્ત્રોત

વાડીમાં પ્રવેશતાની સાથે જ એકસરખી લાઈનમાં સિમેન્ટનાં પોલની ફરતે વીંટળાયેલી લીલી વેલો અને તેની વચ્ચે ઝળકતા લાલ કમલમ (ડ્રેગન ફ્રૂટ)નું દૃશ્ય મન મોહી લે છે. લોહ તત્વથી ભરપૂર લાલ કમલમ (ડ્રેગન) ફ્રુટનું આવું હરિયાળુ દ્રશ્ય છે, ધ્રાંગધ્રા તાલુકામાં આવેલાં રાજવી પરિવારનાં પ્રાકૃતિક ફાર્મનું... 

પરંપરાગત પાકો છોડીને આધુનિક અને નફાકારક ખેતી અપનાવીને સફળતા પ્રાપ્ત કરનાર ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું 'એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ' આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. ધ્રાંગધ્રાના રાજ પરિવારની માલિકીનું આ ફાર્મ, ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે. 

આ ફાર્મની સૌથી મોટી વિશેષતા તેનું વિશાળ વાવેતર છે. ફાર્મના સંચાલક શ્રી વનરાજસિંહે વાવેતર વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, પરંપરાગત ખેતીની જેમ રાસાયણિક ખાતરો કે દવાઓનો ઉપયોગ કરવાને બદલે, અહીં સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે. આનાથી ફળોની ગુણવત્તા તો ઉચ્ચ રહે જ છે, સાથે સાથે તે માનવ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી બને છે. હાલ કુલ ૬૧ વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટના C વેરાયટીના ૯૫,૬૦૦ પ્લાન્ટનું વાવેતર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં થોડા પ્લાન્ટ હૈદરાબાદથી લાવ્યા હતા. પરંતુ હવે જાતે કલમ કરી નવા પ્લાન્ટ બનાવી વાવેતર કરી રહ્યા છીએ.

 

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, એક્ઝોટિકા ફાર્મનો ઉદ્દેશ્ય માત્ર વ્યાપારી લાભ કમાવવાનો નથી, પરંતુ અન્ય ખેડૂતોને પણ આ નવી અને નફાકારક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકવાર પ્રારંભિક રોકાણ કર્યા બાદ, જાળવણીનો ખર્ચ નહીવત રહે છે અને ઉત્પાદન પણ સારું મળે છે, જે તેને ખેડૂતો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે. ડ્રેગન ફ્રૂટ, જે તેના ફાઈબર, વિટામિન A, B, C અને અન્ય પોષકતત્વો માટે જાણીતું છે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એકવાર વાવેતર કર્યા પછી આ પાક ૨૦ થી ૨૫ વર્ષ સુધી ઉત્પાદન આપે છે. જે ખેડૂતો માટે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પ્રથમ વર્ષથી જ ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે અને બીજા-ત્રીજા વર્ષે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય છે. 

ઉત્પાદન અને વેચાણ વિશે જણાવ્યું હતું કે, પ્લાન્ટદીઠ અંદાજે ૧૫ કિલો જેવું ઉત્પાદન મળે છે. બજારમાં ડ્રેગન ફ્રૂટનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. ૨૦૦ થી રૂ. ૩૦૦ સુધી રહે છે. ગત વર્ષે રૂ. ૯૦ લાખથી વધારેનાં ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. આ વર્ષે ઉત્પાદન વધવાની સાથે વેચાણમાં પણ વધારો થશે. આ ફાર્મમાં ઉત્પાદિત ફળોનું વેચાણ મુખ્યત્વે રાજકોટ, અમદાવાદ અને સ્થાનિક બજારમાં કરવામાં આવે છે, જ્યાં તેની ગુણવત્તા અને ઓર્ગેનિક ઉત્પાદન પદ્ધતિને કારણે તેની માંગ સતત વધી રહી છે. જેના કારણે ખેડૂતોને લાખોની આવક થઈ રહી છે. 

ઉનાળાની કાળઝાળ ગરમીથી પાકને રક્ષણ આપવા માટે અહીં નેટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ છોડને સીધા સૂર્યપ્રકાશથી બચાવે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે. ભવિષ્યમાં, ફાર્મનું વિસ્તરણ કરવાની અને વધુને વધુ ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી સાથે જોડીને સૌરાષ્ટ્રના કૃષિ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવા પ્રયાસો કરવામાં આવનાર છે. ફાર્મના સંચાલકો ખેડૂતોને ટેલીઝિંગ પદ્ધતિ, પાકની માવજત અને ફળના યોગ્ય વેચાણ અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડે છે. સમગ્ર ખેતરમાં ડ્રિપ ઇરિગેશન સિસ્ટમ અપનાવવામાં આવી છે, જે પાણીની બચત કરે છે અને મજૂરી ખર્ચ ઘટાડે છે. 

ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ઉજ્જવળ ભવિષ્ય છે તેમ કહેતા નાયબ બાગાયત નિયામક શ્રી મુકેશ ગાલાવાડિયાએ જણાવ્યું કે, આ પાકને ઓછા પાણીની જરૂર પડે છે અને તે રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારો માટે આદર્શ છે. ગુજરાત સરકાર દ્વારા આ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખાસ સબસિડી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. આ સબસિડી ખેડૂતોને પ્રારંભિક આર્થિક બોજમાંથી રાહત આપે છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી થઈ રહી છે, જેનું કદ સતત વધી રહ્યું છે. ડ્રેગન ફ્રૂટ, જેને સરકારે "કમલમ" નામ આપ્યું છે, તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે તેને એક 'સુપર ફૂડ' બનાવે છે. પરંપરાગત પાકો કરતાં ડ્રેગન ફ્રુટની ખેતીમાં વધુ નફો મળે શકે છે. જે રાજ્યના કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવે છે. 

આમ, એક્ઝોટિકા ડ્રેગન ફ્રૂટ ફાર્મ કૃષિ ક્ષેત્રે પરિવર્તનનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. જે દર્શાવે છે કે, આયોજનબદ્ધ રીતે અને નવીનતા અપનાવીને ખેડૂતો પણ સમૃદ્ધિના માર્ગે આગળ વધી શકે છે.