મોદી-મેલોનીની ‘મેલોડી’ ચર્ચાથી શેરબજારમાં ગૂંચવણ:ખોટી કંપનીના શેર ખરીદતાં રિયલ એસ્ટેટ કંપનીને ફાયદો
મેલોડી ટોફી બનાવતી કંપની શેરબજારમાં નોંધાયેલી જ નથી, નામની સમાનતાથી રોકાણકારોએ ઉતાવળમાં શેર ખરીદ્યા
નવી દિલ્લી તા.20
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી ભેટ આપવામાં આવતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. બંને નેતાઓની મુલાકાત અને મેલોડી ટોફી સાથેનો વિડિયો ઝડપથી વાયરલ બનતા તેનો પ્રભાવ હવે શેરબજારમાં પણ જોવા મળ્યો છે.
મેલોડી નામ ચર્ચામાં આવતા અનેક રોકાણકારોએ ગેરસમજમાં આવી પારલે ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના શેર ખરીદી નાખ્યા હતા. જેના કારણે કંપનીના શેરમાં અચાનક તેજી જોવા મળી અને શેર ઉપરની મર્યાદા સુધી પહોંચી ગયો હતો.
ખાસ વાત એ છે કે મેલોડી ટોફી બનાવતી પારલે પ્રોડક્ટ્સ કંપની શેરબજારમાં નોંધાયેલી જ નથી. જ્યારે પારલે ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીનો ટોફી કે ખાદ્ય પદાર્થોના વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી. આ કંપની રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કાગળના કચરાના પુનઃપ્રક્રિયા જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.
સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી મોદી અને મેલોનીની મિત્રતાને લઈને ‘મેલોડી’ શબ્દ ચર્ચામાં રહ્યો છે. બંને નેતાઓની મુલાકાત બાદ ફરી આ શબ્દ ચર્ચાનો વિષય બનતા રોકાણકારોમાં ગૂંચવણ સર્જાઈ હતી અને ઉતાવળમાં ખરીદી શરૂ થઈ ગઈ હતી.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અથવા નામની સમાનતા જોઈ રોકાણ કરવું જોખમી બની શકે છે.


