રૂપલબેન પરમારને તાલુકા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક’ એવોર્ડ, જૂનાગઢમાં કરાયું સન્માન
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે વાંચન, ગણિત, સ્વસ્થ આહાર અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર; કડિયા સમાજ અને સોલંકી પરિવારે પાઠવી શુભેચ્છા
જૂનાગઢ તા.8
જૂનાગઢમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં વર્ષ ૨૦૨૬ માટે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર રૂપલબેન ખીમજીભાઈ પરમાર (રિદ્ધિ કુણાલભાઈ સોલંકી)નું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરપર્સન હર્ષાબેન સવસાણી, DPEO લતાબેન ઉપાધ્યાય, જૂનાગઢ પ્રાંત અધિકારી વૃશાલી કાંબલે, વિસાવદર પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, DYSP ધાંધલિયા સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રૂપલબેન દ્વારા વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસ પૂરતું શિક્ષણ આપવાને બદલે તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. બાળકો મોબાઇલથી દૂર રહી પોતાની ક્ષમતાઓને ઓળખે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે જ વિદ્યાર્થીઓ ફાસ્ટ ફૂડથી દૂર રહી સ્વસ્થ આહાર તરફ વળે તે માટે પણ જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસાવવા માટે ‘શબ્દ પોથી’નો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ગણિત વિષયને સરળ અને રસપ્રદ બનાવવા વિવિધ રમતો અને કોયડાઓનો સહારો લેવામાં આવે છે. બાળકોને માટીના ગણપતિ બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડીને પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે.
રૂપલબેન દ્વારા સ્વરચિત બાળ કાવ્યો અને નાટકો પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેને વિદ્યાર્થીઓ શાળામાં રજૂ કરે છે. ઈતર પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા રૂપલબેને અગાઉની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રંગમંચ તૈયાર કરવામાં પણ યોગદાન આપ્યું હતું. જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આર્થિક સહયોગ પણ આપ્યો હોવાનું જણાવાયું છે.
શૈક્ષણિક કામગીરી ઉપરાંત રૂપલબેન શ્યામ મહિલા મંડળમાં પણ સક્રિય રીતે સેવા આપી રહ્યાં છે. તેમના સન્માન બદલ મિત્રો, વાલીઓ અને ગ્રામજનો ઉપરાંત શ્યામ મહિલા મંડળ જૂનાગઢના પ્રમુખ મીનાબેન ગોહેલ, મંત્રી અરુણાબેન ભાલીયા, કન્વીનર કિશોરભાઈ ચોટલીયા તેમજ કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહેલ, મંત્રી દિનેશભાઈ કાચા અને સેવાના પ્રમુખ નિશાંતભાઈ ચૌહાણ સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.


