જૂનાગઢ ખાતે ઓપન સૌરાષ્ટ્ર રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ, ધોરાજી, માંગરોળ અને કેશોદના 25 ખેલાડીઓ વચ્ચે જામ્યો બુદ્ધિનો જંગ
જૂનાગઢ, તા.26
જૂનાગઢ ખાતે તા.24 મે, 2026ના રોજ "જૂનાગઢ ચેસ ક્લબ" દ્વારા પાંડેજી રેસ્ટોરન્ટના વિશેષ સહયોગથી ‘ઓપન સૌરાષ્ટ્ર રેપિડ ચેસ ટુર્નામેન્ટ’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. કાળા અને સફેદ ખાનાના આ બોર્ડ પર ખેલાડીઓએ પોતાની અદભુત બુદ્ધિ ક્ષમતા અને દાવપેચના પ્રદર્શનથી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ રોમાંચક સ્પર્ધામાં જૂનાગઢ સહિત ધોરાજી, માંગરોળ અને કેશોદ પંથકમાંથી કુલ 25 જેટલા ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં ખેલાડીઓ વચ્ચે ભારે રસાકસી જાેવા મળી હતી. જેમાં શાનદાર રમત રમીને તન્ના ક્રિશ પ્રથમ ક્રમે, સોલંકી ધ્વનિલ દ્વિતીય ક્રમે અને સોલંકી લીયા તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. આ મુખ્ય વિજેતાઓ ઉપરાંત, ચેસની રમત પ્રત્યે ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે અંડર-11, અંડર-15 તેમજ લેડીઝ કેટેગરીમાં પણ ખાસ પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. તમામ વિજેતા ખેલાડીઓને રોકડ રકમ, આકર્ષક ટ્રોફી અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે પાંડેજી રેસ્ટોરન્ટના જયસુખભાઈ ચોટલીયા, શ્યામ બારડ, હિતેશભાઈ વડીયા, પર્વ વડોયા, નરેશભાઈ સોલંકી તેમજ અલ્પેશભાઈ તન્ના સહિતના આગેવાનો અને રમતપ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


