જૂનાગઢમાં નકલી અને ભેળસેળયુકત વસ્તુઓનાં વેંચાણનો કાળો કારોબાર

કોર્પોરેશનનું ફુડ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહયું છે ત્યારે આરોગ્ય સાથે ચેડા થતા અટકાવવા ચેકીંગ કરવા માંગ

જૂનાગઢમાં નકલી અને ભેળસેળયુકત વસ્તુઓનાં વેંચાણનો કાળો કારોબાર

જૂનાગઢ તા. ર
જૂનાગઢ શહેરમાં નકલી વસ્તુના વેચાણનો કાળો કારોબાર મોટાપાયે ફુલીફાલી રહયો છે. બજારમાં મળતા ખાદ્ય પદાર્થોમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાનાં કારણે લોકોનાં આરોગ્ય માટે ગંભીર ખતરો તોળાઈ રહયો છે. ત્યારે કોર્પોરેશનનાં ફુડ વિભાગની નિષ્ક્રીયતાને કારણે નકલી અને ભેળસેળયુકત પદાર્થો વેચનારાને  ભારે મોજ પડી ગઈ હોય તેમ ખુલ્લેઆમ ભેળસેળીયા પદાર્થો વેચાઈ રહયા છે. 
જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાય સમય થયા નકલી અને ભેળસેળયુકત ચીજવસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહયું છે. નકલી ઘી, નકલી દુધ, મીઠાઈમાં ભેળસેળ, ફરસાણમાં ભેળસેળીયા પદાર્થો સીંગતેલ, કપાસીયા તેલ, ચટણી, હળદર, ચણાનો લોટ, મરી મસાલાથી  લઈ અનેક વસ્તુઓનું ઓછા દામમાં બેફામ વેચાણ થઈ રહયું છે. બજારોમાં મળતી વિવિધ ખોરાક સામગ્રી, ઠંડા પીણા તેમજ મીઠાઈ અને ફરસાણની વિવિધ બનાવટોમાં પણ ભેળસેળ કરી અને તેનું વેચાણ થતું હોવની લાંબા સમયની ફરીયાદો રહેલી છે. ઠંડા પીણાથી લઈ રેસ્ટોરન્ટ, હોટલોમાં પણ શરીરને નુકશાન કરતા પદાર્થો ભેળવી અને ચટાકેદાર, મસાલાથી ભરપુર ખાદ્ય સામગ્રી વેચાઈ છે અને સસ્તા દરે વેચાણ થતું હોય જેના કારણે  લોકો પણ લેતા હોય છે. જૂનાગઢ શહેરમાં ભેળસેળીયા પદાર્થ, ખાદ્ય પદાર્થોના વેચાણની બોલબાલા છે. તેમાં પણ વાસી ખોરાક, સડેલા શાકભાજીનો ઉપયોગ કરી મસાલેદાર ખાદ્ય ચીજાે બનાવી વેચાણ થતું હોય છે. લોકોને માટે નુકશાનકારક બને તેવી વસ્તુઓનાં વેચાણ ઉપર કડક કાર્યવાહી અને નિયંત્રણ મુકવા માટે વિભાગ કાર્યરત હોય છે. જૂનાગઢ કોર્પોરેશનમાં ફુડ શાખા આવેલી છે પરંતુ આ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોવાની પણ ફરીયાદ છે.  ખાસ કરીને જૂનાગઢમાં કાર્યરત  ફુડ વિભાગ તહેવારોનાં દિવસોમાં સક્રીય બને છે અને દુકાનદારો પાસેથી ખાદ્ય ચીજવસ્તુઓનાં નમુના મેળવે છે અને આ નમુનાને પરીક્ષણ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે અને ત્યાંથી રીપોર્ટ આવતા ઘણો સમય લાગે છે. અને ત્યાં તહેવારો પણ પુર્ણ થઈ ગયા હોય છે. જૂનાગઢમાં તહેવારો દરમ્યાન કેટલીક દુકાનોમાંથી ચીજવસ્તુનાં નમુના લેવાયા હતા. અને પરીક્ષણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. આ નમુનાનો રીપોર્ટ દોઢ બે માસ બાદ આવ્યો હતો અને તેમાં પણ નમુનાઓમાં ભેળસેળ ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આમ ‘કલીન ચીટ’ વેચનારને મળી ગઈ હતી. હાલનાં સમયમાં જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહયો છે. દિવસ દરમ્યાન વાતાવરણ ઠંડુ, ભેજમય અને બપોરના ગરમી આમ હવામાનમાં થતાં ફેરફારોની અસર માનવજીવન પર પણ પડી છે. જૂનાગઢ સહીત જીલ્લાભરમાં હાલ શરદી, ઉધરસ, તાવનો રોગચાળો માથું ઉંચકી રહયો છે. રોગચાળાને વધતો અટકાવવા આરોગ્ય વિષયક પગલાની આવશ્યકતા છે. તેમજ બજારમાં વેચાતા નકલી ભેળસેળ યુકત પદાર્થોનું વેચાણ થતું અટકાવવાનાં ભાગરૂપે ભેળસેળ થતી હોય તેવી વસ્તુના વેચાણ ઉપર કડક કાર્યવાહી કરવા માંગ  છે.  આ સાથે જ મનપાના ફુડ વિભાગ દ્વારા આળસ ખંખેરી અને ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. બજારમાં વેચાતા વાસી ખોરાક, ઠંડાપીણા, મીઠાઈ, ફરસાણ સહીતનાંઓનું અવાર-નવાર ચેકીંગ કરવામાં આવે અને ભેળસેળીયા પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. જૂનાગઢ મનપાનું ફુડ વિભાગ જાગે અને કડક પગલા  ભરે તેવી અપેક્ષા લોકો રાખી રહયા છે.