જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે હોલીકાદહન - બુધવારે ધુળેટી મનાવાશે
જૂનાગઢ તા. ર
જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભ્રરમાં આજે હુતાસણી પર્વની ઉજવણી થશે અને ઠેર-ઠેર હોલીકા દહનનાં કાર્યક્રમો યોજાશે. જયારે આ વર્ષે ચંદ્રગ્રહણનો દોષ હોવાનાં કારણે ધુળેટી પર્વ તા.૪ માર્ચ ને બુધવારે મનાવાશે અને આજ દિવસે જાહેર રજા પણ રહેશે. હોલીકા અને ધુળેટીનાં પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ઉજવણી કરવામાં આવનાર છે. આજે સોમવારે ર માર્ચનાં રોજ હુતાસણી પર્વ મનાવવામાં આવશે. આજે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર હોલીકા દહનનાં કાર્યક્રમો યોજાશે અને જે અંગે તૈયારીઓ હાથ ધરાઈ છે.
હોળી અને ધુળેટીનાં પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે. બજારોમાં ખજુર, ધાણી, દાળીયા, ટોપરૂ, સાકરના હારડા, શ્રીફળની ખરીદી થઈ રહી છે. હોળી એટલે કે હુતાસણીનાં તહેવારને ઉજવવા માટે થનગનાટ જાેવા મળે છે. આજે સોમવારે સાંજના જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં હોલીકા દહનનાં કાર્યક્રમો યોજવામાં આવશે. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ ચોકમાં હોળી પ્રગટાવવામાં આવશે. ચોકમાં છાણાનો મોટો ઢગલો સરપણ વગેરે ગોઠવી અને શાસ્ત્રોકત વિધી સાથે પૂજન કરી અને હોળી પ્રગટાવવામાં આવશે. ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી માતાજીનાં મંદિર પરિસરમાં હોળી પ્રગટાવ્યા બાદ શહેરમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે.
આ ઉપરાંત ઉપલા દાતારબાપુની ધાર્મિક જગ્યાનાં પરીસર નજીક હુતાસણીનું પ્રાગટય દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે. આ સાથેજ જૂનાગઢ શહેર અને જીલ્લામાં પણ સંખ્યાબંધ સ્થળે હોળી પ્રાગટય કરવામાં આવશે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં આજે નિયત સમયે શાસ્ત્રોકત વિધી પૂજન બાદ હુતાસણી પ્રગટાવવામાં આવશે અને સ્થાનિક યુવક મંડળ લતાવાસીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે ચંદ્રગ્રહણ પણ આવે છે. ભારતમાં દેખાવાનું નથી જેથી પાળવાનું નથી પરંતુ ચંદ્રગ્રહણનો દોષ હોવાથી ધુળેટી પર્વ આગામી તા.૪ માર્ચ બુધવારના રોજ મનાવામાં આવશે. આજે સોમવારે સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર હોલીકા દહનનાં કાર્યક્રમો યોજાશે અને આગામી બુધવારે રંગોનાં તહેવાર એવા ધુળેટી પર્વની ઉજવણી કરાશે. લોકો તમામ મતભેદો ભુલી પરસ્પરને અબીલ, ગુલાલ સહીતનાં રંગોથી ખેલશે અને શુભેચ્છા પાઠવશે. હોળી અને ધુળેટીનાં પર્વને લઈ બજારોમાં પણ તેજી જાેવા મળી રહી છે.



