આવતીકાલથી તા. 10 જુન સુધી ગિરનાર રોપ-વે સેવા વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ રહેશે : 11 જુનથી પુર્ન: રોપ-વે સેવા શરૂ થશે

આવતીકાલથી તા. 10 જુન સુધી ગિરનાર રોપ-વે સેવા વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ રહેશે : 11 જુનથી પુર્ન: રોપ-વે સેવા શરૂ થશે

જૂનાગઢ, તા.1
એશિયાનો સૌથી મોટો રોપ-વે એટલે ગિરનાર રોપ-વે છે. ગિરનાર પર રોપ-વે સેવા કાર્યરત કર્યા બાદ દેશભરના પ્રવાસીઓનો સતત પ્રવાહ વહેતો રહયો છે. રોપ-વેની સફર માટે આવતા ભાવિકો, યાત્રાળુઓ અંદાજીત 5500 પગથીયાનો કઠીન માર્ગ રોપ-વેના માધ્યમથી પસાર કરી અને જગત જનની માં અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લઈ ભાવવિભોર બને છે. ગિરનારની પર્વતમાળા તેમજ પ્રકૃતિએ જયાં અખુટ સૌંદર્ય આપ્યુ છે તેવા વનરાજી નિહાળતા રોપ-વેની સફર માણવી એ અમુલ્ય લ્હાવો છે. ભારે પવન અને ચોમાસાના દિવસોમાં વરસાદની સ્થિતિએ યાત્રાકુની સુરક્ષા અને સલામતી માટે ખાસ સંભાળ રાખી અને રોપ-વે સેવાને બંધ કરી દેવામાં આવતી હોય છે. જયારે અનુકુળ હવામાન થાય ત્યારે રોપ-વેની સેવા પુર્ન: કાર્યરત કરવામાં આવે છે. એક અંદાજ મુજબ વર્ષ દરમ્યાન હજારોની સંખ્યામાં ગિરનાર રોપ-વેની મુલાકાતે ગુજરાતભરના તેમજ દેશનાં વિવિધ રાજયોમાંથી આવેલા પ્રવાસીઓ રોપ-વેની સફર માણે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, મહાનુભાવો, સરકાર કક્ષાના મંત્રીઓ પણ જયારે જૂનાગઢની મુલાકાતે આવે છે ત્યારે ભવનાથ મહાદેવનાં દર્શન અને પુજનવિધિ કરતા હોય છે. તેમજ અંબાજી માતાજીનાં દર્શન પણ અચુક કરે છે. અને સર્વના કલ્યાણની કામના કરવામાં આવે છે. ગઈકાલે વહેલી સવારે ચોમાસાના આગમનરૂપે વરસાદી છાંટણાનો દોર શરૂ થયો હતો. ત્યારે પણ ગિરનાર ક્ષેત્રમાં પ્રવાસી અને ભાવિક જનતા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રવિવારે 1700થી વધારે પ્રવાસીઓએ રોપ-વેની સફરનો આનંદ લીધો હતો. દરમ્યાન સુરક્ષા અને સલામતી અંતર્ગત રોપ-વે સેવા આવતીકાલથી 10 દિવસ બંધ રહેશે. વાર્ષિક મેન્ટેન્સની કામગીરી અંતર્ગત આ સેવા બંધ કરવામાં આવી રહી છે. અને આગામી તા. 11 જુનથી રોપ-વેની સેવા પુર્ન: શરૂ કરવામાં આવશે તેમ જાણવા મળે છે. મળતી વિગત અનુસાર ગિરનાર રોપ-વે આવતીકાલ તા. 2 જૂન 2026 થી 10 જૂન 2026 સુધી વાર્ષિક મેન્ટેનન્સની કામગીરી અન્વયે સંપૂર્ણ બંધ રહેશે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષે આ પ્રકારનું ટેકનિકલ મેન્ટેનન્સ કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન રોપ-વેની તમામ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં, જેની દરેક પ્રવાસીઓએ નોંધ લેવા વિનંતી છે. વાર્ષિક મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ  થયા બાદ તા. 11 જૂનથી  રોપવે સેવાઓ પુર્ન: રાબેતા મુજબ કાર્યરત થશે. એમ મેનેજમેન્ટ, ગિરનાર રોપ વે જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.