જૂનાગઢ શહેર જીલ્લામાં શરદી, ઉધરસ, તાવનાં વાયરા
હવામાનમાં ફેરફાર, પ્રદુષણનાં કારણે રોગચાળો : ભીડભાડથી દુર રહેવા, માસ્કનો ઉપયોગ કરવા તબીબોની સલાહ
જૂનાગઢ તા. પ
જૂનાગઢ સહીત જીલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં શરદી, ઉધરસ, તાવનાં વાયરા વચ્ચે રોગચાળો ફેલાયો છે. પાણીજન્ય રોગચાળો, ઉદભવતા દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આજે મોટાભાગનાં આરોગ્ય કેન્દ્રમાં આવતાં દર્દીઓની એક જ ફરીયાદ છે કે શરદી, તાવ, માથુ દુ:ખવુ કે ઉધરસ અને જેની સારવાર લેવામાં આવી રહી છે. આ વર્ષે દિવાળીનાં તહેવારો બાદ શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ હતી. ભેજભર્યુ વાતાવરણ, પવન, તેમજ વહેલી સવારે તેમજ સાંજનાં ઠંડી અને બપોરનાં ગરમીનાં વાતાવરણ રહયા બાદ ઠંડીમાં ઘટાડો ફરી ઠંડી વધી અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડશે તેવી આગાહી છે. દરમ્યાન હવામાનમાં થતા વારંવાર ફેરફારો તેમજ સવારનાં સમયે ઘુમ્મસ જેવું વાતાવરણ પણ રહે છે.
ઉપરાંત મોટાભાગનાં શહેરોમાં પ્રદુષણનો પણ સતત વધારો થઈ રહયો છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો નજીકમાં જ ગરવો ગિરનાર આવેલો છે અને તેનાં કારણે ભવનાથ ક્ષેત્ર અને ગિરનારમાં ઠંડીનું વાતાવરણ ભારે હોય છે. જૂનાગઢ શહેરમાં પણ ઠંડી અન્ય શહેરો કરતાં વધુ રહે છે. જયારે પ્રદુષણની તો વાત કરવા જેવી નથી. આ શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તાની હાલત ખુબ જ ખરાબ છે. અને તુટેલા માર્ગો ઉપર પસાર થતાં ધુળ ઉડે તે સ્વભાવીક છે. તેમજ પ્રદુષણ ફેલાવતાં વાહનોનાં ધુમાડા પણ મુખ્ય ભાગ ભજવે છે. હવામાનમાં ફેરફાર સહીતનાં બધા જ પરીબળોને કારણે છેલ્લા પંદરેક દિવસ થયા જૂનાગઢ સહીત જીલ્લામાં પણ શરદી, ઉધરસ, તાવનાં વાયરાને કારણે રોગચાળો ફેલાયો છે. લોકોની આ રોગ અંગેની ફરીયાદ રહેલી છે. અને દવા સહીતની સારવાર લઈ રહયા છે.
નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન અને સારવાર લેવાઈ રહી છે. શરદી, ઉધરસ, તાવનાં ચેપી રોગ ફેલાવવાથી બચવા માટે તબીબોની એવી સલાહ છે કે ભીડભાડવાળી જગ્યાએ ચોકકસ ડીસ્ટસન્સ રાખવું તેમજ પ્રદુષણથી બચવા માટે માસ્ક પહેરવું હીતાવહ છે. કોરોનાં કાળ સમયે સાવચેતી માટે માસ્કનો ઉપયો થતો તેજ રીતે આજે પ્રદુષીત વાતાવરણ, ચેપીરોગથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહયો છે.


