સોનાની માંગમાં 70 ટકાનો તિવ્ર ઘટાડો નોંધાયો
નવી દિલ્હી તા.30 :
દેશની આયાત પર ભારે પડતા સોનાની ખરીદી એક વર્ષ મુલત્વી રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ કેન્દ્ર સરકાર દ્વારા સોનાની આયાત જકાત 6 ટકામાંથી વધારી 15 ટકા કરતા તથા ક્રુડતેલના ભાવ વધારાના કારણે જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તેની સાથે મોંઘવારી પણ આવી રહી છે તેની માનસીક અસરમાં તમામ કારણથી દેશમાં સોનાની માંગમાં તિવ્ર ઘટાડો થયો છે. જો કે ભારતની અન્ય આયાત હજું મોંઘી જ છે તથા ચાલુ ખાતાની ખાધ પણ વધી રહી છે પણ તા.27 મેના પુરા થતા પખવાડીયાના અંતે એક વર્ષ અગાઉ સોનાની માંગ 25 ટનમાંથી ઘટીને 7.5 ટન નોંધાઈ છે. ખાસ કરીને સોનાના સિકકા તથા બીસ્કીટની માંગ ઘટી છે. જો કે તેના માટે હાલ અધિક માસ હોવાથી પણ ખરીદી ઘટી હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને સોનાના ડયુટી વધતા દાણચોરી વધશે અને તેના કારણે સતાવાર કરતા બિનસતાવાર ચેનલથી સોનુ વધુ ખુલશે તેવી જે દહેશત રખાતી હતી તે અંગે કોઈ ફીડબેક મળ્યા નથી. પરંતુ દેશભરના જવેલર્સના રિપોર્ટ મુજબ સોનાની માંગ- જવેલરી કે અન્ય સ્વરૂપમાં 70 ટકા જેટલો ઘટાડો નોંધાયા છે.


