દાયકાઓ જુની ફાટકની કેદમાંથી જૂનાગઢ ‘આઝાદ’ : સર્વત્ર ખુશીનો માહોલ

ગ્રોફેડ ખાતે મીટર ગેજ સ્ટેશન બનાવવાનાં ઐતિહાસીક નિર્ણયને પગલે જૂનાગઢ શહેરને બાનમાં લેતા 7 સહેલી સમા ફાટકો દૂર થશે - ટ્રાફીક સમસ્યામાંથી મુકિત મળશે

દાયકાઓ જુની ફાટકની કેદમાંથી જૂનાગઢ ‘આઝાદ’ : સર્વત્ર ખુશીનો માહોલ

જૂનાગઢ તા. 27
જૂનાગઢ શહેરની દાયકાઓ જુની અને સમગ્ર શહેરને બાનમાં રાખી અને ટ્રાફીકની સમસ્યાનું સર્જન કરતી 7 જેટલા રેલ્વે ફાટક નજીકના સમયમાં જ દૂર કરવામાં આવે અને આ શહેરને ફાટકલેશ કરી વર્ષોની માથાના દુ:ખાવારૂપ ટ્રાફીકની સમસ્યામાંથી મુકત કરવાના અધ્યાયનો ગઈકાલથી શુભારંભ થયો છે. ભાવનગર રેલ્વે મંડળના વરીષ્ઠ પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જૂનાગઢ શહેરની ફાટકની સમસ્યાને દૂર કરવાના રેલ્વે બોર્ડ દ્વારા લેવામાં આવેલા ઐતિહાસીક નિર્ણય અંગેની જાહેરાત કરતા જ જૂનાગઢ શહેર અને જીલ્લાભરમાં ખુશીનો માહોલ સર્જાયો છે. 
આ અંગે વિસ્તૃત વિગત આપતા ભાવનગર રેલ્વે મંડળનાં વરીષ્ઠ પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા જૂનાગઢ–વિસાવદર મીટરગેજ રેલ્વે વિભાગમાં ગ્રોફેડ વિસ્તાર બિલખા રોડ નજીક નવા મીટરગેજ રેલ્વે સ્ટેશનના નિર્માણને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ર્નિણયને કારણે સમગ્ર જૂનાગઢ શહેરમાં ખુશી અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. આ પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગ્રોફેડ ખાતે નવું સ્ટેશન કાર્યરત થયા બાદ ગ્રોફેડ અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચેનો અંદાજે 4.2 કિલોમીટર લાંબો મીટરગેજ રેલવે ટ્રેક કાયમી રીતે બંધ કરવામાં આવશે. હાલમાં આ રેલવે ટ્રેક શહેરના ગીચ વિસ્તારમાંથી પસાર થાય છે જેના કારણે શહેરમાં આવેલા 7 ફાટકો વારંવાર લાંબા સમય સુધી બંધ રહેતા હોય છે અને તેના પરિણામે શહેરમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. જેને કારણે શાળાના વિદ્યાર્થીઓ, નોકરી-ધંધે જતાં લોકો, વેપારીઓ અને ઇમરજન્સી સેવાઓ માટે આ સમસ્યા વર્ષોથી માથાનાં દુ:ખાવા સમાન બની ગઈ હતી. દરમ્યાન નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ જૂનાગઢ શહેરની અંદરના તમામ 7 રેલ્વે ફાટકો દૂર થઈ જશે જેના કારણે શહેરને ટ્રાફિક સમસ્યામાંથી કાયમી રાહત મળશે. આ સાથે જ માર્ગ અકસ્માતો અને રેલવે અકસ્માતોની સંભાવનામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. રેલવે ફાટકોના સંચાલન અને જાળવણીમાં લાગતા માનવબળનો ઉપયોગ અન્ય કામગીરીમાં વધુ અસરકારક રીતે કરી શકાશે. ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવા ગ્રોફેડ સ્ટેશન અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચે ઇ-બસ સેવા શરૂ કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે જેથી મીટરગેજના મુસાફરોને બ્રોડગેજ ટ્રેનો તથા શહેરના અન્ય વિસ્તારો સુધી સરળ અને સુવિધાજનક જોડાણ મળી રહેશે. ઉપરાંત હાલના જૂનાગઢ સ્ટેશન ખાતે મીટરગેજ કામગીરી બંધ થયા બાદ ઉપલબ્ધ થતી જમીનનો ઉપયોગ બ્રોડગેજ યાર્ડ અને અન્ય રેલવે સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવશે. આમ જૂનાગઢ શહેરને વર્ષોથી સતાવતી રેલ્વે ફાટકની સમસ્યામાંથી મુકિત મળવાની છે ત્યારે સર્વત્ર આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર વખતે ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં ફાટકલેશ શહેરની યોજના સાકાર કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેને આજે મૂર્તિરૂપ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. ગ્રોફેડ ખાતે મીટર ગેજ રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે ઝડપભેર આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી અપેક્ષા નગરજનો સેવી રહયા છે.