ગીરમાં સિંહો પર સંકટ, હવે ડોક્ટરોના રાજીનામાથી ચિંતા વધી

ગીરમાં સિંહો પર સંકટ, હવે ડોક્ટરોના રાજીનામાથી ચિંતા વધી

ગીર તા.27
ગીરના જંગલોમાં એક તરફ સિંહોમાં ફેલાતા બેબીસિયા અને CDV જેવા ખતરનાક રોગચાળાએ ચિંતા ઉભી કરી છે, તો બીજી તરફ વન્યજીવોની સારવાર કરતા 12 કરાર આધારિત વેટરનરી ડોક્ટરોએ રાજીનામાં આપતા સમગ્ર વનતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં 3 સિંહબાળ સહિત 5 સિંહોના મોત થયા બાદ હવે સારવાર વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
વર્ષોથી ગીર, સક્કરબાગ અને અન્ય વન વિસ્તારોમાં દિવસ-રાત ફરજ બજાવતા ડોક્ટરો GPSC ભરતી પ્રક્રિયાથી નારાજ થયા છે. તેમનું કહેવું છે કે વન્યજીવોની સારવારનો લાંબા સમયનો અનુભવ હોવા છતાં નવી ભરતીમાં તેને કોઈ પ્રાથમિકતા આપવામાં આવી નથી. અનેક રજૂઆતો છતાં યોગ્ય નિર્ણય ન લેવાતા અંતે ડોક્ટરોએ સેવા છોડવાનો નિર્ણય કર્યો છે.
હાલ સ્થિતિ એવી છે કે સમગ્ર વન વિભાગમાં માત્ર બે જ કાયમી વેટરનરી અધિકારીઓ કાર્યરત છે, જ્યારે મેદાની સારવારથી લઈને રેસ્ક્યુ અને પોસ્ટમોર્ટમ જેવી મહત્વની જવાબદારીઓ કરાર આધારિત ટીમ સંભાળી રહી હતી. હવે આ ડોક્ટરો સેવા છોડતા ગીરમાં સિંહોની સારવાર અને મોનિટરિંગ કામગીરી પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
આ દરમિયાન રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ સિંહોના વધતા મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને પત્ર લખી તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવાની માંગ કરી છે. સાથે જ સિંહોમાં રોગના લક્ષણો ઝડપથી ઓળખી શકાય તે માટે “ફીલ્ડ ઓબ્ઝર્વેશન પ્રોટોકોલ” લાગુ કરવાની પણ ભલામણ કરી છે.
વન વિભાગ દ્વારા હાલમાં સિંહોમાં ડીટિકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, પરંતુ ડોક્ટરોની અછત વચ્ચે ગીરમાં વન્યજીવોના આરોગ્યને લઈને ચિંતા વધુ ઘેરાઈ રહી છે.