યુએસ-ઈરાન તણાવ વચ્ચે અબુ ધાબીમાં ફસાઈ ઈશા ગુપ્તા, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાઈ સોનલ ચૌહાણ

સુરક્ષિત છીએ, સમય ખૂબ જ મુશ્કેલ છે; જલ્દી ભારત પાછા ફરવાની આશા વ્યક્ત કરી : અભિનેત્રી ઈશા

યુએસ-ઈરાન તણાવ વચ્ચે અબુ ધાબીમાં ફસાઈ ઈશા ગુપ્તા, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાઈ સોનલ ચૌહાણ

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨
‘જન્નત’ ૨ ફેમ અને એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ રવિવારે જણાવ્યું કે અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ઇરાન પર મિસાઇલ હુમલાઓ પછી વધેલા US-ઇરાન સંઘર્ષ વચ્ચે તેઓ હાલમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબુ ધાબીમાં સુરક્ષિત છે. તેણે કહ્યું કે વર્તમાન સમય ભયાવહ છે અને આશા વ્યક્ત કરી કે તે જલ્દી જ ભારત પાછા ફરશે.ઈશાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “જે પણ લોકો ખબરઅંતર પૂછી રહ્યા છે અને મેસેજ કરી રહ્યા છે, હું જવાબ ન આપવા બદલ માફી માંગુ છું. અમે ઠીક છીએ, અમે સુરક્ષિત છીએ. સમય ભયાવહ છે, ખૂબ મુશ્કેલ છે.”તેણે આગળ લખ્યું, “ભગવાન આપણી રક્ષા માટે છે. વિશ્વાસ છે કે સંયુક્ત આરબ અમીરાતનું સંરક્ષણ મંત્રાલય લોકોની સુરક્ષા અને બચાવ માટે પોતાનું શ્રેષ્ઠ કરી રહ્યું છે. તમામ પ્રભાવિત લોકો માટે, જેઓ પણ ફસાયેલા છે, તેમની સુરક્ષા માટે સૌથી ઉપર પ્રાર્થના કરી રહી છું. આશા છે કે જલ્દી જ ઘરે પાછી ફરીશ.” આ પહેલા શનિવારે તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આકાશની તસવીર શેર કરીને “અબુ ધાબી” લખીને પોતાની લોકેશનની પુષ્ટિ કરી હતી.એક્ટ્રેસ સોનલ ચૌહાણ UAE ના દુબઈમાં ફસાયેલી છે. તાજેતરમાં ઈરાને દુનિયાના ૮ દેશો પર હુમલો કર્યાે છે, જેમાં દુબઈ પણ સામેલ છે. આ સ્થિતિમાં દુબઈની તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે, જેના કારણે એક્ટ્રેસ ભારત પાછી ફરી ન શકી. એક્ટ્રેસે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત પાછા ફરવા માટે મદદની અપીલ કરી હતી.‘જન્નત’ ફેમ સોનલ ચૌહાણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવ્યું છે કે તે દુબઈમાં અસુરક્ષિત અનુભવી રહી છે અને જલ્દી ભારત પાછા ફરવા માંગે છે.

સોનલે લખ્યું છે,માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, હું હાલમાં ચાલી રહેલા સંકટ વચ્ચે દુબઈમાં ફસાયેલી છું. ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે અને ભારત પાછા ફરવાનો કોઈ સ્પષ્ટ રસ્તો નથી. હું સુરક્ષિત ઘરે પાછા ફરવા માટે સરકાર પાસેથી માર્ગદર્શન અને સહયોગની અપેક્ષા રાખું છું. કોઈપણ મદદ માટે હું હૃદયપૂર્વક આભારી રહીશ.સોનલ ચૌહાણ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફસાયેલા ઘણા મુસાફરોમાં સામેલ છે. અચાનક ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરો મૂંઝવણભરી સ્થિતિમાં છે અને સત્તાવાર ઘોષણાઓની રાહ જાેઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં એરપોર્ટ ટર્મિનલ પર ભારે ભીડ અને ચિંતિત મુસાફરોને જાેઈ શકાય છે.આ સંકટ પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યા પછી શરૂ થયું છે. ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઇરાનના સૈન્ય અને પરમાણુ ઠેકાણાઓ પર સંયુક્ત હુમલાઓ પછી સ્થિતિ વધુ વણસી ગઈ. તેના જવાબમાં, ઇરાન અને ઇરાક સહિતના ઘણા દેશોએ તેમના હવાઈ ક્ષેત્રો બંધ કરી દીધા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર વ્યાપક અસર પડી છે.