જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં આંતર-કોલેજ વેઇટલિફ્ટિંગ-પાવરલિફ્ટિંગ સ્પર્ધા, ખેલાડીઓએ બતાવ્યું દમખમ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ખેલાડીઓએ લીધો ભાગ; બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ વજન વર્ગમાં મેળવ્યા અનેક મેડલ
જૂનાગઢ તા.10
જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આંતર-કોલેજ વેઇટલિફ્ટિંગ અને પાવરલિફ્ટિંગ સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૦૯/૦૯/૨૦૨૬ના રોજ યોજાયેલી ભાઈઓ માટેની આ સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો પ્રારંભ મંગલ પ્રાર્થના અને મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડો. જે. આર. વાંઝાએ મુખ્ય મહેમાન અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય ડો. પી. કે. રાઠોડ સહિતના મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આચાર્ય ડો. જે. આર. વાંઝાએ રમતવીરોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે કોડીનાર તેમની જન્મભૂમિ અને જૂનાગઢ કર્મભૂમિ છે, પરંતુ મેદાનમાં રમતી કોઈપણ ટીમની જીતને તેઓ પોતાની જીત માને છે. કુલપતિ ડો. પ્રતાપસિંહજી ચૌહાણે પણ વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે પોતે નેશનલ લેવલના વોલીબોલ ખેલાડી રહી ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરીને પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા.
કાર્યક્રમમાં બહાઉદ્દીન કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડો. કે. ડી. ટીલવા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ નેશનલ લેવલના વેઇટલિફ્ટિંગ ખેલાડી અને બહાઉદ્દીન કોલેજના પૂર્વ અધ્યાપક રહી ચૂક્યા હોવાથી તેમણે રમતગમત ક્ષેત્રના પોતાના અનુભવો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.
પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. ૬૬ કિલો વજન વર્ગમાં લીંબાસીયા સુમન હરેશભાઈએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ૭૪ કિલો વર્ગમાં સાંખટ ધવલ વાઘજીભાઈ પ્રથમ અને જાડેજા નિર્મળસિંહ પ્રવીણસિંહ દ્વિતીય રહ્યા હતા, જ્યારે ૮૩ કિલો વજન વર્ગમાં દેગામા કરણ રામજીભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
વેઇટલિફ્ટિંગમાં ૬૦ કિલો વજન વર્ગમાં મહાવદિયા અશોક અર્જનભાઈએ દ્વિતીય અને નાકરાણી પ્રિન્સ ચંદુભાઈએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ૬૫ કિલો વર્ગમાં જાડેજા નિર્મળસિંહ પ્રવીણસિંહ દ્વિતીય રહ્યા હતા, જ્યારે ૭૧ કિલો વર્ગમાં આશાની કિશન ખીમાનંદભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ૭૯ કિલો વર્ગમાં ડાંગર તરુણ પરબતભાઈએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ૮૮ કિલો વજન વર્ગમાં દેગામા કરણ રામજીભાઈ પ્રથમ અને સાંખટ ધવલ વાઘજીભાઈ તૃતીય સ્થાને રહ્યા હતા.
સ્પર્ધા દરમિયાન રમતગમત અને ઓલિમ્પિક્સના ઇતિહાસને લગતી રસપ્રદ માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા કોલેજના પી.ટી.આઈ. ડો. મોહસીન આઝાદ કુરેશીએ કામગીરી સંભાળી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન પ્રા. ભાવિક ચાવડાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.



