તહેવારોની સીઝનમાં ચોખાના ભાવમાં કમ્મરતોડ વધારો : લોકોનું બજેટ ખોરવાઈ જશે

તહેવારોની સીઝનમાં ચોખાના ભાવમાં કમ્મરતોડ વધારો : લોકોનું બજેટ ખોરવાઈ જશે

(એજન્સી)         મુંબઈ,તા.૨૪:
શાકભાજી અને કઠોળ બાદ હવે રોજિંદા ભોજન માટે જરૂરી એવા ચોખાના ભાવમાં પણ તોતિગ વધારો નોંધાયો છે, જેને લઈ જનતાને વધુ એક ફટકો પડ્યો છે. તહેવારોની મોસમ શરૂ થતાં જ અનાજ અને કરિયાણાના ભાવો આસમાને પહોંચી ગયા છે. શાકભાજીથી માંડીને કઠોળ-દાળ સુધીના ભાવમાં થયેલા તોતિગ વધારાને કારણે સામાન્ય વર્ગના ખિસ્સા પર મોટો બોજ પડશે.
હવે તો સામાન્ય માણસના રોજિદા ભોજનનો હિસ્સો ગણાતા ચોખા પણ મોંઘા થવાના એંધાણ છે. જથ્થાબંધ બજારમાં ચોખાના ભાવમાં ૪૦થી ૫૦ ટકાનો તિવ્ર ઉછાળો નોંધાયો છે, જેની સીધી અસર છૂટક બજાર પર જોવા મળી રહી છે. આ ભાવવધારાનો સીધો ફટકો ઘરખર્ચ પર પડી રહ્યો છે. તહેવારોના ટાણે જ ગ્રાહકોના ખિસ્સા હળવા થવાથી આ વખતે દિવાળીનું બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ માંગ ધરાવતા વાડા કોલમ ચોખાનો જથ્થાબંધ ભાવ ૬૦ રૂપિયાથી વધીને રૂા.૮૦ અને છૂટકમાં રૂા.૮૫ થી રૂા.૯૦ પ્રતિ કિલો થયો છે, જ્યારે સુરતી કોલમનો ભાવ ૫૦ રૂપિયાથી વધીને જથ્થાબંધમાં રૂા.૬૫ અને છૂટકમાં ૭૫થી રૂા.૭૯ સુધી વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત સામાન્ય લોકોના લોકપ્રિય પરિમલ અને મસૂરી ચોખાના જથ્થાબંધ ભાવ પણ વધીને રૂા.૪૦ પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.