ટ્રમ્પનો દાવ ઉંધો પડયો : ૮૦ વર્ષના લુલા ચોથીવાર બ્રાઝીલના રાષ્ટ્રપતિ બન્યા
બ્રાઝિલિયા તા.૨૬
બ્રાઝિલની રાજનીતિમાં એક ઐતિહાસિક અને રોમાંચક ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુલ્લા સમર્થન અને ભારે દબાણ છતાં, ૮૦ વર્ષના લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અદ્ભુત પુનરાગમન કરીને ચોથી વખત બ્રાઝિલની સત્તા હાંસલ કરી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ટ્રમ્પ સર્મથિત બોલ્સોનારો પરિવાર સામે પરાજયના આરે ઉભેલા લુલાએ બીજા જ તબક્કામાં બાજી પલટીને ટ્રમ્પની આખી ‘અમેરિકી ચાલ‘ પર પાણી ફેરવી દીધું છે. જીત બાદ ગર્વભેર એલાન કરતા લુલાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, બ્રાઝિલ કોઈની કઠપૂતળી નથી અને તે પોતાના ર્નિણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
૧૯૮૯માં બ્રાઝિલમાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ હતી. ત્યાર બાદ પહેલીવાર એવું બન્યું છે કે પ્રથમ તબક્કામાં બીજા ક્રમે રહેલો ઉમેદવાર અંતિમ તબક્કામાં જીત મેળવીને રાષ્ટ્રપતિ બન્યા છે. વળી, ફ્લાવિયો પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પુત્ર છે. બોલ્સોનારો પરિવાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નજીકનો માનવામાં આવે છે. તેમને પ્રથમ તબક્કામાં ૪૭ ટકા મત મળ્યા હતા. લુલાએ ૨૦૨૨ની ચૂંટણીમાં ફ્લાવિયોના પિતા અને બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને પણ હરાવ્યા હતા.


