સાઉદીમાં દમામ એરપોર્ટ અને આરામકો તેલક્ષેત્ર પર હુથીઓનો ભીષણ હુમલો : ૩ના મોત, ૮ ઘાયલ
(બ્યુરો) દમામ, તા.૨૨
મધ્યપૂર્વમાં હુમલાઓનો સિલસિલો જારી જ રહ્યો હોય તેમ હુથી બળવાખોરોએ આજે વધુ એક વખત સાઉદી અરેબીયાને નિશાન બનાવ્યુ. એરપોર્ટ ઉપરાંત તેલક્ષેત્ર પર પણ હુમલા કર્યા હતા. તેમાં ૩ વ્યક્તિના મોત નિપજયા હતા. જયારે ભારતીય સહીત આઠ લોકો ઘાયલ થયા હતા. હુમલાથી વ્યાપક નુકશાનીના અહેવાલ છે.
દમામમાં કીંગ ફરદ એરપોર્ટ પર હુમલામાં એકનુ મોત થયુ હતું. આ સિવાય અરામકોનાં શાયબા ઓઈલ ફીલ્ડ પર ડ્રોન હુમલાનો પ્રયાસ થયો હતો. ડ્રોન તોડી પડાયું હતું. પરંતુ તેનો કાટમાળ તેલક્ષેત્ર પર ખાબકતા આગ ફાટી નીકળી હતી. જેમાં નેપાળ-ફીલીપીન્સનાં એક એક નાગરીકનું મોત થયુ હતું.
ગ્લોબલ ફ્લાઈટ ટ્રેકિંગ સવિર્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી જાહેર કરવામાં આવી હતી કે મધરાતે હુમલા બાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સના રૂટ તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
આ વિસ્તાર અગાઉ પણ હૂથી બળવાખોરોની મિસાઈલો અને પ્રોજેક્ટાઈલ હુમલાઓનું નિશાન બની ચૂક્યો છે. જોકે આ તાજા હુમલા અંગે ઈરાન સર્મથિત હૂથી જૂથ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સાઉદી ગઠબંધને જણાવ્યું છે કે તેમણે દેશના પૂર્વીય ક્ષેત્રમાં ૪ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ કર્યા હતા.


