ઈજીપ્તમાં ઓઈલ ટેન્કરમાં આગ લાગતા ૩૧ના મોત
(એજન્સી) કાહિરા તા.ર૬
ઇજિપ્તની રાજધાની કાહિરા નજીક હાઇવે પર બુધવારે રાત્રે તેલના ટેન્કરમાં આગ લાગી હતી. ત્યાં હાજર અનેક વાહનો આગની ઝપેટમાં આવતાં બળીને ખાખ થઈ ગયાં. ઇજિપ્તના આરોગ્ય મંત્રાલય અનુસાર, આ અકસ્માતમાં ૩૧ લોકોનાં મોત થયાં છે અને ૨૧થી વધુ લોકો ઘાયલ થયા છે. સળગતી કારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર, તેલથી ભરેલો ટ્રક કાબૂ ગુમાવીને સેન્ટ્રલ રિઝર્વેશન સાથે અથડાયો અને પલટી ગયો, જેના કારણે વિસ્ફોટ થયો. આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશામક દળના કર્મચારીઓ આગ બુઝાવવામાં લાગી ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા.


